<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th June 2026

પ્રકૃતિ પ્રથમની ધૂન સાથે ગાંધીનગરની ટોળીની નેચર સાથેની લવ સ્ટોરી

પાટનગરના પર્યાવરણની જાળવણીની રચનાત્મક ચળવળ, એક નાગરિક તરીકે પોતાના શહેરને હરિયાળુ અને સ્વચ્છ રાખવાનો પ્રેરક સંદેશ

 

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૫ :  મહાત્મા ગાંધીએ આઝાદીની ચળવળ વખતે કહ્યું હતું કે ચળવળ એ માત્ર આઝાદીની નથી પરંતુ ગ્રામોધ્ધાર, બુનિયાદી શિક્ષણ, ગ્રામ સ્વરાજની સ્થાપના જેવી રચનાત્મક પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે પણ આ ચળવળ છે.

ગાંધીજીના આ વિચારોમાંથી સમયની માંગને અનુરુપ પ્રેરણા લઇ ’પ્રકૃતિ પ્રથમ’ નામે પ્રકૃતિના પાંચ તત્વો જળ, વાયુ, ધરતી, અગ્ની અને આકાશના જતન માટે સમર્થશ્રી પ્રાગદાસબાપા ગોદડીયા રામવાડી અન્નક્ષેત્ર ટ્રસ્ટના નેજા હેઠળ છેલ્લા પાંચેક વર્ષર્થી ગાંધીનગરમાં શ્રી એન.પી. પટેલ, પૂર્વ મંત્રી મહેન્દ્રભાઇ ત્રિવેદી મુંગા મોઢે એક શાંત ચળવળ ચલાવી રહ્યા છે. 

પમી જુને પર્યાવરણ દિવસ છે ત્યારે ગાંધીનગરમાં કોઇ તાલ તાસીરા વિના ૨૫-૩૦ અબાલ વૃધ્ધની બનેલી ટોળી કોઇવાર જાહેર બગીચાઓને લક્ષ્ય બનાવી દર શનિવારે આ બગીચાઓમાંથી પ્લાસ્ટિકની બોટલો કે નાસ્તાની કોથળીઓ વીણવા નીકળી પડે છે, આવા ઉપક્રમમાં ગાંધીનગરના જુદા જુદા વિસ્તારોને સ્વચ્છ બનાવે છે. ૨૫-૩૦ યુવાનોની આ ટોળી કોઇ કોઇ વાર ૫૦-૬૦ની બનીને આ ચળવળના નામ ’પ્રકૃતિ પ્રથમ’ને સાર્થક કરવા માટે કોઇ શનિવારે વસુંધરાને સાફ સૂથરી કરવા સવારે એક-બે કલાક ફાળવે છે. તો કોઇ શનિવારે ગાંધીનગર આસપાસની શાળાઓમાં જઇ બાળકોને અગ્ની અર્થાત ઉર્જા બચાવવા સદ્રષ્ટાંત શીખ આપે છે.

મહેન્દ્રભાઇએ કહ્યું કે પ્રકૃતિ આપણી મા છે તેને હંમેશા પ્રેમ કરાય. ઉર્જા નિષ્ણાતોના મંતવ્ય અનુસાર એક વ્યક્તિ એક દિવસમાં એક યુનિટ વીજળી બચાવે તો વાતાવરણમાં ૮૨૦ ગ્રામ કાર્બનનું ઉત્સર્જન ઘટે છે. અને મહિને ૨૫ કિલો કાર્બન ઉત્સર્જન ઘટે છે ત્યારે ગુજરાતની અંદાજે સાડા સાત કરોડની વસ્તીને ધ્યાનમાં લેતા એક યુનિટ બચાવે તો કાર્બન ઉત્સર્જનનું કેટલું પ્રમાણ ઘટે. શક્ય બને તેવો એક નાનો ઉપાય વિરાટ પરિણામ લાવી શકે છે. 

પ્રચાર પ્રસારથી દૂર રહીને હાથ ધરાયેલી આ ચળવળ આગળ વધી રહી છે. અમે જૂન-જુલાઇમાં ચોમાસની ઋતુમાં વૃક્ષરોપણની પ્રવૃત્તિ હાથ ઉપર લઇએ છીએ અને ગાંધીનગર કે આસપાસના જે વિસ્તારોમાં વૃક્ષોવિહીન જમીન હોય ત્યાં વૃક્ષ રોપીએ છીએ, તેમાં સ્થાનિકો રહીશો પણ તેના જતન અને રક્ષણમાં યોગદાન આપે છે, આ ચળવળના પ્રણેતા પૈકીના શ્રી એન.કે.પટેલે જણાવ્યું કે એક રોપાને પરિપક્વ થતાં પાંચ વર્ષ લાગે છે અને  એક વૃક્ષ અકલ્પનીય પ્રમાણમાં કાર્બન શોષ્ી હવામાનને સ્વચ્છ રાખે છે.

૨૩ માર્ચ ૧૯૩૧ના રોજ લાહોરની જેલમાં જ્યારે શહીદ-એ-આઝમ ભગતસિંહ, સુખદેવ થાપર અને શિવરામ રાજગુરુને ફાંસી આપવામાં આવી, ત્યારે ’ફૂલછાબ’ના તંત્રી રહેલા મેઘાણીએ 'ફૂલછાબ'ના તંત્રીલેખ તરીકે આ હૃદયસ્પર્શી કાવ્યની રચના કરી હતી 

આ કવિતાની અમુક પંક્તિઓ નીચે મુજબ છે:

વીરા મારા ! પાંચ રે સિંધુને સમશાન રોપાણાં ત્રણ રૂખડાં હો…જી

વીરા ! એની ડાળિયું અડી આસમાન: મુગતિના ઝરે ફૂલડાં હો..જી.

વીરા ! તારાં ફૂલ રે સરીખડાં શરીર : ઇંધણ તોય ઓછાં પડ્યાં હો..જી

વીરા મારા ! સતલજ નદીને તીર પિંજર પૂરાં નો બળ્યાં હો…જી.

  તેમની આ કાવ્યાંજલિમાંથી પ્રેરણા લઇ આ ટ્રસ્ટે ગત ૨૩મી માર્ચે ગાંધીનગરના એક બગીચામાં રુખડોના ત્રણ વૃક્ષનું રોપણ કર્યું છે, અને તેમને સ્મૃતિ વૃક્ષ નામ આપ્યું છે. ઋષિ વૃક્ષ કહેવાતો રુખડો વૃક્ષનો ઘેરાવો ૪૦ ફૂટનો હોય છે અને તેની આવરદા અઢી હજાર વર્ષની હોય છે તેવી માહિતી આપતા મહેન્દ્રભાઇએ કહ્યું હતું કે આ રુખડોના મૂળિયા અમોને મહા મહેનતે મળ્યા. આનંદ એ વાતનો છે કે તેમાં પાન મહોર્યા છે. 

પાંચમી જૂનના શુક્રવારે પ્રકૃતિના પાંચ ત્તવોની જાળવણી એ જ વિશ્વ પર્યાવરણ દિનની ગાંધીનગરમાં ઉજવણી પ્રકૃતિ પ્રેમી ટોળીને ૨૫૩મું સપ્તાહ બેસશે. આ વરસે સમગ્ર દેશે તોબા પોકરાવતી ગરમીનો અહેસાસ કર્યો છે તેમાંથી બચવાનો બોધપાઠ આવી ચળવળો આપે છે. 

 આ ટોળી ગાંધીનગરના બગીચાઓ ઉપરાંત માર્ગો અને ગલી ખાંચામાં વૃક્ષ સરસ પાંગરી શકે તેવી અનુકૂળ જગ્યાઓ શોધતી રહે છે અને ત્યાં વૃક્ષારોપણ કરી તેને પાણી પાઇ ઉછરે છે ત્યાં સુધી સંભાળ લે છે અને સ્થાનિકોને પણ સામેલ કરે છે.

(માહિતી અને તસ્વીરો: યજ્ઞેશ આચાર્ય, ભાવનગર)

(9:27 AM IST)