News of Sunday, 25th October 2026
કોડીનારના સયાજી રાજપરા ગામે દીપડો પાંજરે પુરાયો
વાડીમાં વાછરડાનું મારણ થયા બાદ વન વિભાગે ગોઠવ્યું હતું પાંજરું દીપડો ઝડપાતાં ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો

કોડીનાર, તા. ૨૩: ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના સયાજી રાજપરા ગામે વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં દીપડો ઝડપાયો છે. ગામના રહેવાસી વાઢેર પ્રદ્યુમનસિંહ ગોવિંદભાઈની વાડીમાં વાછરડાનું મારણ થયા બાદ વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. આખરે તા. ૨૩ ઓક્ટોબરની રાત્રે દીપડો પાંજરે પુરાતાં વન વિભાગ સહિત ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, સયાજી રાજપરા ગામના રહેવાસી વાઢેર પ્રદ્યુમનસિંહ ગોવિંદભાઈની વાડીમાં દીપડાએ વાછરડાનું મારણ કર્યું હતું. આ ઘટનાને પગલે વન વિભાગ દ્વારા તા. ૨૨ ઓક્ટોબરના રોજ વાડી વિસ્તારમાં દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. વન વિભાગ દ્વારા કરવામાં આવેલી આ કામગીરી દરમિયાન તા. ૨૩ ઓક્ટોબરના રોજ રાત્રે ૧૦:૨૦ કલાકે પાંચ વર્ષની માદા દીપડો પાંજરામાં આવી જતાં તેને સુરક્ષિત રીતે પકડવામાં આવ્યો હતો.દીપડાને પાંજરે પુરાયા બાદ વન વિભાગ દ્વારા તેને જામવાળા એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે. આ સમગ્ર કામગીરી જામવાળા રેન્જના છારા રાઉન્ડના ફોરેસ્ટર સોલંકીભાઈ તથા વન વિભાગના સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, વાડી વિસ્તારમાં દીપડાની અવરજવર અને વાછરડાના મારણની ઘટના બાદ ગ્રામજનોમાં ચિંતા જોવા મળી રહી હતી. ત્યારે વન વિભાગની કામગીરીથી દીપડો પાંજરે પુરાતાં સ્થાનિક ગ્રામજનોને રાહત મળી છે.
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
