તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th July 2026
જૂનાગઢના માળીયા હાટીના શહેરમાં દીપડાએ યુવાન પર અચાનક હુમલો કર્યો
ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવાનને જૂનાગઢ સારવાર અર્થે ખસેડાયો:વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવા કામગીરી શરૂ કરાઈ.

જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના શહેરમાંથી એક ચોંકાવનારી અને ડરનો માહોલ ઊભો કરતી ઘટના સામે આવી છે. માળીયા હાટીના શહેરના વિસ્તારમાં અચાનક દીપડો આવી ચડતાં લોકોમાં ભારે નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી. રહેણાંક વિસ્તારમાં અચાનક ધસી આવેલા દીપડાના કારણે સમગ્ર પંથકમાં ભયનો માહોલ સર્જાયો છે.
રસ્તા પરથી પસાર થઈ રહેલા એક યુવાન પર દીપડાએ અચાનક લોહિયાળ હુમલો કરી દીધો હતો. દીપડાના પંજા અને હુમલાને કારણે યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ઘટનાને પગલે આસપાસના લોકોએ બૂમાબૂમ કરી મૂકતાં દીપડો ભાગી છૂટ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવાનને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે જૂનાગઢની હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો છે.
ઘટના અંગેની જાણ થતાં જ વન વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. વન વિભાગની ટીમે માનવ વસવાટમાં ઘૂસી આવેલા અને આક્રમક બનેલા દીપડાને ઝડપી પાડવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. દીપડાને વહેલી તકે પાંજરે પૂરવા માટે વિવિધ વ્યૂહાત્મક સ્થળો પર પાંજરા ગોઠવવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.
માળિયા હાટિના શહેરની વચ્ચે જ દીપડાએ હુમલો કરતાં સ્થાનિક રહીશોમાં ભારે ફાળ પડી છે. વન વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા નાગરિકોને રાત્રિના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને ખાસ કરીને નાના બાળકો તથા વડીલોની સુરક્ષા પ્રત્યે વિશેષ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
(7:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
