News of Wednesday, 22nd July 2026
વિસાવદરના જાંબુડી ગામમાં દીપડો 18 ફૂટની દીવાલ કૂદી ઘરમાં ઘૂસ્યો : સૂતેલા વૃદ્ધા પર હુમલો કર્યો :વૃદ્ધાને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડાયા
વૃદ્ધાને માથા, હોઠ, પીઠ સહિત શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજા:પ્રથમ વિસાવદર હોસ્પિટલ અને વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમા રીફર કરાયા

ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના સરહદી વિસ્તારોમાં દીપડાના વધતા આતંક વચ્ચે વિસાવદર તાલુકાના જાંબુડી ગામમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. મધરાતે એક દીપડો આશરે 18 ફૂટ ઊંચી કંપાઉન્ડ વોલ કૂદીને ઘરમાં ઘૂસ્યો અને ઊંઘી રહેલા વૃદ્ધા પર હુમલો કર્યો હતો હુમલામાં વૃદ્ધાને માથા, હોઠ, પીઠ સહિત શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને પ્રથમ વિસાવદર હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે
જાંબુડી ગામના સીમ વિસ્તારમાં આવેલા ખેતરવાડીના મકાનમાં પુંજાભાઈ જેસાભાઈ વાળા પરિવાર સાથે રહે છે. મધરાતના સમયે તેમના માતા ડાહીબેન જેસાભાઈ વાળા ઘરમાં સૂતા હતા. તે દરમિયાન શિકારની શોધમાં આવેલો દીપડો લગભગ 18 ફૂટ ઊંચી દીવાલ કૂદીને મકાનમાં ઘૂસ્યો અને સીધો ઘરમાં પહોંચી વૃદ્ધા પર હુમલો કર્યો.દીપડાએ વૃદ્ધાના હોઠ, માથા, પીઠ અને શરીરના અન્ય ભાગોમાં નખ અને દાંતના ઘા મારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યા હતા.
વૃદ્ધાની ચીસો સાંભળીને પરિવારજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પરિવારજનોને આવતા જોઈ દીપડો ભાગી છૂટ્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા ડાહીબેનને પ્રથમ વિસાવદર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી તેમની સ્થિતિ ગંભીર હોવાથી જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા.
(7:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
