News of Sunday, 10th May 2026
જામનગરના આંગણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વાગત માટે જનસૈલાબ ઉમટ્યો : લાલ બંગલો વિસ્તાર કેસરીયા રંગે રંગાયો
પશ્ચિમ બંગાળ અને પંજાબ સહિત વિવિધ રાજ્યોના લોકો પરંપરાગત વેશભૂષામાં ઉમટી પડ્યા : દેશભક્તિના નારા અને સાંસ્કૃતિક માહોલ વચ્ચે 'એક ભારત શ્રેષ્ઠ ભારત'નું અદ્ભુત દ્રશ્ય સર્જાયું

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર :જામનગરના ઐતિહાસિક લાલ બંગલો ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમનને વધાવવા માટે જનમેદનીનો પ્રચંડ ઉત્સાહ જોવા મળ્યો હતો. વડાપ્રધાનના સ્વાગત માટે માત્ર જામનગર જ નહીં, પરંતુ પશ્ચિમ બંગાળ સહિત દેશના વિવિધ રાજ્યોના લોકો મોટી સંખ્યામાં લાલ બંગલો સર્કલ ખાતે ઉમટી પડ્યા હતા. પરંપરાગત વેશભૂષા, દેશભક્તિના ગગનભેદી નારા અને વિવિધ સાંસ્કૃતિક રંગોથી સમગ્ર વાતાવરણ દેશપ્રેમના ભાવથી ગુંજી ઉઠ્યું હતું.
જનસભા સ્થળે ઉત્તર ભારતથી પંજાબ અને પૂર્વ ભારતથી પશ્ચિમ બંગાળ સહિતના દેશના અન્ય રાજ્યોના નાગરિકોએ વડાપ્રધાનને આવકારવા માટે ખાસ હાજરી આપી હતી. જામનગરના વિવિધ સમાજના અગ્રણીઓ, શહેરના શ્રેષ્ઠીઓ, મહિલાઓ, યુવાનો અને વડીલોએ મોટી સંખ્યામાં એકઠા થઈને વડાપ્રધાન પ્રત્યેનો પોતાનો સ્નેહ અને ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. વિવિધ પ્રાંતના લોકોની એકસાથે ઉપસ્થિતિએ જામનગરના આંગણે "એક ભારત શ્રેષ્ઠ ભારત"નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીએ “ભારત માતા કી જય” અને “વંદે માતરમ” ના નારાઓ સાથે આખું વાતાવરણ ગજવી મૂક્યું હતું. લોકોના હાથમાં રહેલા ત્રિરંગા અને રાષ્ટ્રપ્રેમનો જુસ્સો સ્પષ્ટપણે દેખાઈ આવતો હતો. દેશના ખૂણેખૂણેથી આવેલા લોકોમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જોવા અને સાંભળવા માટે ભારે આતુરતા જોવા મળી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમો અને લોકોના ઉત્સાહે આ કાર્યક્રમને યાદગાર બનાવી દીધો હતો.
વડાપ્રધાનના સ્વાગત માટે લાલ બંગલો સર્કલ અને તેની આસપાસના વિસ્તારોને વિશેષ રીતે શણગારવામાં આવ્યા હતા. સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પણ લોકોનો પ્રવાહ સતત વહેતો રહ્યો હતો. જામનગરના નગરજનોએ પણ અતિથિ દેવો ભવની ભાવના સાથે બહારથી આવેલા લોકોનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાનના આગમન પૂર્વે જ સમગ્ર શહેરમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો, જે ભારતની ભાતીગળ સંસ્કૃતિ અને એકતાનું પ્રતીક બની રહ્યો હતો.
(8:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
