<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd October 2026

જામનગર શહેર અને જિલ્લામાં પીવાના પાણી અને સિંચાઈ પ્રશ્ને રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ

જૂન મહિના સુધી પાણીની તંગી નહીં સર્જાય તેવું આયોજન : સૌની યોજના હેઠળ રંગમતી, ઊંડ અને ઘી ડેમમાં પાણી ઠલવાશે : રાજ્યમંત્રી અને સ્થાનિક ધારાસભ્યએ આપી માહિતી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧ : જામનગર શહેર તથા સમગ્ર જિલ્લામાં પીવાના પાણી અને સિંચાઈના પ્રશ્નોના કાયમી ઉકેલ માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જામનગર મહાનગરપાલિકાના કમિશનર, સૌની યોજનાના વરિષ્ઠ અધિકારીઓ, સિંચાઈ વિભાગના અધિકારીઓ, મહાનગરપાલિકાની ટીમ, મેયર, સ્થાનિક ધારાસભ્યો, પદાધિકારીઓ અને કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકમાં જિલ્લામાં પાણી પુરવઠાની વર્તમાન સ્થિતિ અને આગામી આયોજન અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.

બેઠક બાદ રાજ્યમંત્રી અને સ્થાનિક ધારાસભ્ય રિવાબા જાડેજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલની સ્થિતિએ નવેમ્બર-ડિસેમ્બર સુધી ચાલે તેટલો પીવાના પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. નાગરિકોને ઉનાળા સુધી પાણીની તકલીફ ન પડે તે માટે આવતા જૂન મહિના સુધીનું સંપૂર્ણ આગોતરું આયોજન કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સિંચાઈ મંત્રી કુંવરજી બાવળીયાના માર્ગદર્શન હેઠળ સૌની યોજના અંતર્ગત રંગમતી ડેમ, ઊંડ ડેમ અને ઘી ડેમ સહિતના સ્થાનિક જળાશયોમાં પાણી પહોંચાડવામાં આવશે. આ ઉપરાંત ખેતી અને સિંચાઈને લગતા પ્રશ્નોનો પણ અગ્રતાના ધોરણે ઉકેલ લાવવામાં આવશે.

તંત્ર દ્વારા તમામ આયોજન કરી લેવામાં આવ્યું છે, તેમ છતાં નાગરિકો પીવાના પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરે અને બિનજરૂરી વેડફાટ અટકાવે તેવી મંત્રીએ અપીલ કરી હતી.

(તસવીર: કિંજલ કારસરીયા, જામનગર)

(12:47 PM IST)