News of Saturday, 10th October 2026
મોરબીમાં ૪૬ વર્ષ જૂના મિલકત અને વેરાના પ્રશ્ને ચાલતા આમરણાંત ઉપવાસનો સુખદ અંત
૧૯૭૯ મચ્છુ હોનારત બાદ ફાળવાયેલા મકાનોના વેરા અંગે ૧ર દિવસથી ચાલતું હતું આંદોલન

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૧૦: મોરબીમાં મચ્છુ ડેમ હોનારત બાદ ફાળવવામાં આવેલા મકાનોના મિલકત વેરા અને રી-સર્વેના ૪૬ વર્ષ જૂના પડતર પ્રશ્ને છેલ્લા ૧ર દિવસથી મહાનગરપાલિકા કચેરી ખાતે ચાલી રહેલા આમરણાંત ઉપવાસનો આખરે સુખદ અંત આવ્યો છે. સત્તાધીશો દ્વારા આ મામલે હકારાત્મક ઉકેલ લાવીને કોઈપણ પ્રકારના નકશા કે અન્ય દસ્તાવેજો માંગ્યા વિના સીધો જ મિલકત વેરો સ્વીકારવાની ખાતરી આપી ઉપવાસીને પારણાં કરાવવામાં આવ્યા હતા. લાંબા સમયથી પડતર એવા આ ગંભીર પ્રશ્નનું તાત્કાલિક નિરાકરણ આવતા સ્થાનિક રહિશોમાં પણ રાહતની લાગણી ફેલાઈ છે.
વર્ષ ૧૯૭૯માં સર્જાયેલી મચ્છુ ડેમ હોનારત બાદ લાયન્સ ક્લબ અને સરકાર દ્વારા અસરગ્રસ્તોને મકાનો ફાળવવામાં આવ્યા હતા. આ મકાનોના ૪૬ વર્ષ જૂના રી-સર્વે અને વેરા સ્વીકારવા બાબતના પ્રશ્નને લઈને મોરબી મહાનગરપાલિકા ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ગત તારીખ ર૮ સપ્ટેમ્બરથી રામજીભાઈ જે. ચાવડા દ્વારા આમરણાંત ઉપવાસની શરૂઆત કરવામાં આવી હતી. આ આંદોલનના ૧રમા દિવસે મેયર ઉત્તમ સુરાણી, સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન જયંતિભાઈ પડસુંબીયા, સ્થાનિક કોર્પોરેટર ગૌતમ પરમાર સહિતના અગ્રણીઓ અશ્વિનભાઈ પાટડીયા, બાબુભાઈ પરમાર અને વિઠલભાઈ ચાવડાએ હકારાત્મક અભિગમ દાખવીને સર્વે ટીમ સાથે બેઠક કરી આ લાંબા સમયના પ્રશ્નનો કાયમી ઉકેલ આણ્યો હતો.
મેયરના જણાવ્યા અનુસાર આ ૪૬ વર્ષ જૂના આકારણી અને વેરા વસૂલાતની માપણીના પ્રશ્ને ઉકેલ લાવતા હવે સનદ અને વેરા બાબતે એ ગ્રેડ, બી ગ્રેડ અને સી ગ્રેડની જોગવાઈઓ મુજબ વેરા સ્વીકારવાની પ્રક્રિયા હાથ ધરાશે. મેયર અને ચેરમેનની દરમિયાનગીરીથી સીધો જ વેરો વસૂલવાનો નિર્ણય લેવાતા રામજીભાઈ ચાવડાએ સંતોષ વ્યક્ત કરી પારણાં કર્યા હતા.
કોર્પોરેટર ગૌતમ પરમારના જણાવ્યા મુજબ, પદાધિકારીઓ અને અધિકારીઓના યોગ્ય સંકલનથી સ્થાનિકોને પડતી મુશ્કેલીનો ઉકેલ આવ્યો છે. દાયકાઓ જૂના પ્રશ્નનો સુખદ અંત આવતા સમગ્ર મામલો થાળે પડયો છે.
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
