<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th July 2026

જામનગરના લાલપુર તાલકુુના જોગવડ ગામના સ્‍મશાનમાંથી ખાટલી ઉઠાવી ગયા

માનવતાને લાંછન લગાડનારી ઘટનાઃ સ્‍મશાનની વસ્‍તુઓ પણ સુરક્ષિત નથી

 જામનગરઃ શહેરમાં માનવતાને લાંછન લગાડે તેવી ઘટના સામે આવી છે. લાલપુર તાલુકાના જોગવડ ગામે આવેલા સ્મશાનમાંથી તસ્કરોએ અંતિમ સંસ્કાર માટે વપરાતી 1,000 કિલો વજનની લોખંડની ખાટલીની ચોરી કરી છે. આ ઘટનાને કારણે સમગ્ર પંથકમાં ભારે રોષ અને આઘાતની લાગણી ફેલાઈ ગઈ છે.
ગઇકાલે બપોરે અંદાજે 2:45 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન આ ઘટના બની હતી. સ્મશાનમાં કોઈની અવરજવર ન હોવાનો લાભ ઉઠાવી અજાણ્યા તસ્કરોએ ત્યાં રાખેલી 45,000 રૂપિયાની કિંમતની એક ટન વજન ધરાવતી લોખંડની ખાટલીની ચોરી કરી હતી. સ્મશાન જેવી શાંત અને પવિત્ર જગ્યાએ થયેલી આ ચોરીએ લોકોની આસ્થાને ઠેસ પહોંચાડી છે.
આ મામલે જોગવડ ગામના રહેવાસી હેમતસિંહ દેવુભા કેર (ઉંમર ૪૧) એ મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 ની કલમ303 (2) હેઠળ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. પોલીસ હેડ કોન્સ્ટેબલ આર. એન. થાનકી દ્વારા આ મામલે સઘન તપાસ કરવામાં આવી રહી છે.
ગ્રામજનોએ જણાવ્યું હતું કે, ચોરી તો ક્યાંક પણ થઈ શકે છે, પરંતુ સ્મશાનની વસ્તુ ચોરવી તે નૈતિકતાનું અધઃપતન દર્શાવે છે. આ ગુનેગારોને વહેલી તકે શોધીને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

(2:29 PM IST)