<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st November 2026

કચ્છના સફેદ રણમાં રણોત્સવનો ભવ્ય પ્રારંભ

ધોરડોમાં 70 નવા પ્રીમિયમ ટેન્ટ ઉમેરાયા, 7 માર્ચ 2027 સુધી પ્રવાસીઓ માણી શકશે ઉત્સવ

ભુજઃ ગુજરાતના વિશ્વવિખ્યાત પ્રવાસન સ્થળ કચ્છના સફેદ રણમાં રણોત્સવ 2026-27ની નવી સિઝનનો 1 નવેમ્બરથી ભવ્ય પ્રારંભ થયો છે. ગુજરાત ટુરીઝમના સહયોગથી આયોજિત આ મહોત્સવ આગામી 7 માર્ચ 2027 સુધી ચાલશે.

 

આ વર્ષે પ્રવાસીઓના આરામ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ધોરડો ટેન્ટ સિટીમાં આશરે 70 નવા પ્રીમિયમ સેમી-પરમેનન્ટ ટેન્ટ ઉમેરવામાં આવ્યા છે. આ આધુનિક ટેન્ટમાં પ્રવાસીઓને પ્રીમિયમ સુવિધાઓ સાથે રણમાં રોકાણ કરવાનો અનોખો અનુભવ મળશે.

 

રણોત્સવ દરમિયાન કચ્છી હસ્તકળાની વર્કશોપ, લોકસંગીતના કાર્યક્રમો, કચ્છી લોકવાર્તાઓ, કલા પ્રદર્શનો, સ્ટેન્ડ-અપ કોમેડી અને બાળકો માટે વિવિધ રમતગમત પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે.

 

આ વખતે પ્રવાસીઓ માટે માત્ર સફેદ રણ જ નહીં, પરંતુ ધોળાવીરા, રોડ ટુ હેવન, માંડવીનો દરિયાકિનારો અને પરંપરાગત કલા-કારીગરી ધરાવતાં ગામડાંઓના પ્રવાસનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

 

ધોળાવીરામાં હાલની 44 કાયમી કોટેજ ઉપરાંત આશરે 50 નવા ટેન્ટ ઉમેરવાની યોજના છે. સમગ્ર કચ્છમાં આ સિઝન દરમિયાન આશરે 500 ટેન્ટ અને કોટેજનું સંચાલન કરવામાં આવશે.

 

રણોત્સવથી કચ્છની સંસ્કૃતિ, હસ્તકળા, લોકસંગીત અને પરંપરાગત ખાનપાનને દેશ-વિદેશમાં નવી ઓળખ મળશે. સાથે જ સ્થાનિક કારીગરો, વેપારીઓ અને રોજગારને પણ પ્રોત્સાહન મળશે.

(12:22 PM IST)