તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Friday, 17th July 2026
લોકભારતી સણોસરામાં કલ્પસર કર્મયોગી વિનુભાઈ ગાંધીનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો : કલ્પસર સાકાર થતાં જ સૌરાષ્ટ્ર પ્રદેશ દેશમાં સૌથી વધુ પાણીદાર બનશે તેવી કેન્દ્રીય પ્રધાન સી. આર. પાટીલની મહત્વની જાહેરાત
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના અભિગમમાં જળ સંગ્રહ કેન્દ્ર સ્થાને હોવાનું જણાવતા જળ સંસાધન પ્રધાન સી. આર. પાટીલ : સન્માનમાં મળેલી ૧૧.૧૧ લાખથી વધુની ધનરાશિ વિનુભાઈ ગાંધીએ જળ પ્રવૃત્તિઓ માટે સંસ્થાને પરત અર્પણ કરી અનોખો સેવાયજ્ઞ આદર્યો

ઈશ્વરિયા: વૈશ્વિક કક્ષાએ નોંધનીય બનનારી મહત્વાકાંક્ષી કલ્પસર યોજનાના સક્રિય વિચારક અને માર્ગદર્શક વિનુભાઈ ગાંધીનો ગરિમાપૂર્ણ અભિનવ સન્માન સમારોહ લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા તથા કલ્પસર સહયોગ સમિતિ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે યોજાઈ ગયો હતો. લોકભારતી સણોસરા ખાતે કેન્દ્રીય જળ સંસાધન પ્રધાન સી. આર. પાટીલના અધ્યક્ષસ્થાને આ વિરાટ કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ પ્રસંગે કેન્દ્રીય પ્રધાને જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિકસિત ભારતના અભિગમમાં પાણી સંગ્રહ અને તેની યોજનાઓ કેન્દ્રમાં રહેલી છે અને કલ્પસર સાકાર થવાથી સૌરાષ્ટ્ર પ્રદેશ સમગ્ર દેશમાં સૌથી વધુ પાણીદાર પ્રદેશ તરીકે ઉભરી આવશે.
પાણી વાપરવું આપણો અધિકાર, પરંતુ ધરતીનું ઋણ ચૂકવવું આપણી ફરજ:
કેન્દ્રીય પ્રધાન શ્રી પાટીલે પોતાના ઉદબોધનમાં કેન્દ્ર સરકાર દ્વારા પીવાના પાણી તથા સિંચાઈ સંબંધી આંકડાકીય સ્થિતિ અને ઉપલબ્ધિઓ રજૂ કરી હતી. તેઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, પાણી વાપરવું એ આપણો અધિકાર છે પરંતુ ધરતી માતાનું એ ઋણ ચૂકવવું આપણી પવિત્ર ફરજ છે. તેઓએ જળસંગ્રહ માટે ઉપસ્થિત જનમેદનીને અનુરોધ કર્યો હતો અને સન્માનિત વિનુભાઈ ગાંધી દ્વારા કલ્પસર માટે કરવામાં આવેલા અભિયાન કાર્યોને વંદન કર્યા હતા. આ વિરાટ બહુહેતુક યોજના અંગે સરકાર ખૂબ સક્રિય હોવાનું પણ તેઓએ ઉમેર્યું હતું.
ખંભાતનો અખાત પ્રકૃતિની મોટી ભેટ, મોદીનો સંકલ્પ સાકાર થશે:
પોતાના સન્માનના પ્રત્યુત્તરમાં કલ્પસર કર્મયોગી વિનુભાઈ ગાંધીએ અગાઉ નરેન્દ્રભાઈ મોદી દ્વારા કલ્પસર યોજના માટે નાળિયેર નાખીને કરાયેલો સંકલ્પ હવે ટૂંક સમયમાં સાકાર થશે તેવી દ્રઢ આશા વ્યક્ત કરી હતી. તેઓએ ઉમેર્યું હતું કે, ખંભાતનો અખાત વિસ્તાર એ પ્રકૃતિએ આપણને આપેલી ખૂબ મોટી ભેટ છે, જ્યાં કલ્પસર સાકાર થવા જઈ રહ્યું છે. કલ્પસર સહયોગ સમિતિ દ્વારા પુરષોત્તમભાઈ કમાણી અને અન્ય મહાનુભાવોના હસ્તે વિનુભાઈ ગાંધીને આ સન્માન અર્પણ કરવામાં આવ્યું હતું. આ સન્માનમાં તેઓને મળેલી રૂપિયા ૧૧,૧૧,૧૧૧ ની રકમમાં પોતાના તરફથી બીજા રૂપિયા ૧૧,૧૧૧ ઉમેરીને, આ ભગીરથ પ્રવૃત્તિને વધુ વેગવંતી બનાવવા માટે સમગ્ર રાશિ સન્માનિત વિનુભાઈ ગાંધીએ સંસ્થાને પરત અર્પણ કરી ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ સાથે દીપ પ્રાગટ્ય:
સમારોહના પ્રારંભે જીવરાજભાઈ સુરાણી (ધારૂકાવાળા) તથા લોકભારતી સંસ્થાના વડા અને લોકવૈજ્ઞાનિક અરુણભાઈ દવેના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રાસંગિક ભૂમિકા બાંધતા અરુણભાઈ દવેએ સમગ્ર વિશ્વ માટે નમૂનો બનનાર કલ્પસર યોજનાને આપણું સદભાગ્ય ગણાવ્યું હતું. તેઓએ લોકભારતી દ્વારા શિક્ષણ, સંશોધન અને વિસ્તરણની કામગીરીનો ઉલ્લેખ કરી વૈશ્વિક કક્ષાએ સંસ્થાની ભૂમિકા સ્પષ્ટ કરી જળ સંગ્રહ, ગૌ સંવર્ધન અને કૃષિ સંશોધનની વિવિધ વિગતો રજૂ કરી હતી.
સાંસ્કૃતિક પ્રસ્તુતિ અને અગ્રણીઓની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિ:
આ પ્રસંગે સન્માન પત્રનું વાચન લોકભારતી વિશ્વવિદ્યાલયના વિશાલભાઈ ભાદાણીએ કર્યું હતું, જ્યારે સમગ્ર કાર્યક્રમની આભારવિધિ કમલનયનભાઈ સોજીત્રાએ આટોપી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન હાર્દિકભાઈ સોરઠિયા દ્વારા કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં લોકભારતી સંગીતવૃંદ દ્વારા ગીત ગાન પ્રસ્તુત કરાયું હતું તેમજ મોજીલી શાળા આંબલાના બાળકોએ સુંદર યોગાસન અને સાંસ્કૃતિક અભિવ્યક્તિ સાથે મહેમાનોનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું.
આ અભિનવ સન્માન સમારોહ પ્રસંગે અગ્રણીઓ બેચરભાઈ ભાદાણી, ધનરાજભાઈ કૈલા, કમલનયનભાઈ સોજીત્રા અને દિલીપભાઈ સખિયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વિસ્તારના અગ્રણી મહાનુભાવો કાંતિભાઈ ગોઠી, પ્રફુલભાઈ સેંજળિયા, નલીનભાઈ પંડિત, રઘુભાઈ હુંબલ, જીવાભાઈ બારડ, મગનભાઈ મોલિયા, પ્રકાશભાઈ સખિયા, વીરજીભાઈ જસાણી, હીરજીભાઈ ભીંગરાડિયા, વિજયભાઈ લોલિયાણા, મનુભાઈ સવાણી, પરશોત્તમભાઈ સિધ્ધપુરા, હિરેનભાઈ હામલિયા, ગોકુળભાઈ આલ, વલ્લભભાઈ રાઠોડ સહિત મોટી સંખ્યામાં અન્ય કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ આ જળ અભિયાનના સાક્ષી બનવા જોડાયા હતા. (અહેવાલ - મૂકેશ પંડિત)
(4:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
