તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૦ મંગળવાર
News of Sunday, 15th November 2026
પશુપાલકોની જીવાદોરી સમાન સર્વોત્તમ ડેરીમાં સહકાર સપ્તાહના બીજા દિવસે ભવ્ય ઉજવણી : ગોબર પ્લાન્ટ યોજના થકી છાણ-મૂત્ર ખરીદી પશુપાલકોની આવક વધારવાની સ્થાપક એચ.આર. જોષીની મોટી જાહેરાત
સિહોરના સર ખાતે ૭૩માં અખિલ ભારતીય સહકાર સપ્તાહમાં એડવોકેટ અને પશુપાલક રવિરાજસિંહ પરમારે દૈનિક ૬૦૦ લીટર દૂધ ઉત્પાદન અને રેકોર્ડબ્રેક ભાવથી ૬૦ વીઘા જમીન ખરીદ્યાની સાફલ્યગાથા વર્ણવી : સેક્સ સોર્ટેડ સીમેનથી ૯૫ ટકા માદા વાછરડી જન્મતા હોવાના અનુભવો રજૂ કરાયા : બજારુ ભેળસેળયુક્ત દાણ ટાળવા અપીલ

સિહોર: પશુપાલકો માટે જીવાદોરી સમાન ભાવનગર જિલ્લાની સર્વોત્તમ ડેરી દ્વારા સિહોર તાલુકાના સર ગામ ખાતે આવેલી સર્વોત્તમ દાણ ફેક્ટરીમાં ૭૩માં અખિલ ભારતીય સહકાર સપ્તાહ અને સ્નેહ મિલન કાર્યક્રમની શાનદાર ઉજવણી ચાલી રહી છે. ઉજવણીના બીજા દિવસે ૧૫ નવેમ્બર ૨૦૨૬ના રોજ ડેરીના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર એચ.આર. જોષી, અન્ય ડાયરેક્ટરો, અધિકારીઓ તેમજ સંલગ્ન દૂધ મંડળીઓના પ્રમુખો, મંત્રીઓ અને વ્યવસ્થાપક કમિટીના સભ્યોની વિશાળ ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં સફળ પશુપાલક રવિરાજસિંહ પરમારે પોતાના પ્રેરણાદાયક અનુભવો વર્ણવ્યા હતા. પોતે વ્યવસાયે એડવોકેટ હોવા છતાં મંડળીના મંત્રી અને આદર્શ પશુપાલક તરીકે દરરોજ ૫૦૦ થી ૬૦૦ લીટર દૂધ ઉત્પાદન કરી સર્વોત્તમ ડેરીમાં ભરાવે છે. તેઓએ જણાવ્યું કે છેલ્લા ૧૦ વર્ષથી બજારના ભેળસેળયુક્ત દાણને બદલે માત્ર સર્વોત્તમ દાણ ખવડાવવાથી તેમને મોટી સફળતા મળી છે અને ડેરી દ્વારા ચૂકવાતા રેકોર્ડબ્રેક ભાવને કારણે છેલ્લા સાત-આઠ વર્ષમાં જ ૫૦ થી ૬૦ વીઘા જમીન ખરીદી શક્યા છે. આ ઉપરાંત સફળ એઆઈ વર્કર કપિલભાઈ પંડ્યાએ કૃત્રિમ બીજદાનના પોતાના અનુભવો શેર કરતા જણાવ્યું કે, તેઓ ૧૫ થી ૨૦ ગામોમાં સેક્સ સોર્ટેડ સીમેન ડોઝથી બીજદાન કરે છે, જેના પરિણામે ગાય અને ભેંસમાં ૯૫ ટકા માત્ર વાછરડી કે પાડી જ જન્મે છે. આ પ્રસંગે ડાયરેક્ટર હમીરભાઈ મેરે આ તમામ માર્ગદર્શક માહિતી દરેક પશુપાલક સુધી પહોંચાડવા મંડળીના કાર્યવાહકોને અપીલ કરી હતી. જ્યારે ડાયરેક્ટર મૂળરાજભાઈ પરમારે સંસ્થાના સ્થાપક હરિભાઈ જોષીની અપ્રતિમ મહેનતને બિરદાવી તેમના માર્ગદર્શન મુજબ પશુપાલન કરવા અનુરોધ કર્યો હતો.
મેનેજિંગ ડિરેક્ટર એચ.આર. જોષીએ ઉપસ્થિતોને સર્વોત્તમ ડેરી દ્વારા હાથ ધરાયેલી 'પંચક્રાંતિ' વિશે વિસ્તૃત માહિતી આપી હતી. બજારમાં મળતા ભેળસેળયુક્ત દાણથી મહામૂલા પશુઓ બીમાર પડતા હોવાની ગંભીર બાબત તરફ ધ્યાન દોરી, તેમણે તજજ્ઞોની દેખરેખ હેઠળ બનતું શુદ્ધ સર્વોત્તમ દાણ જ ખવડાવવા આગ્રહ કર્યો હતો. ઓછા પશુઓએ વધુ દૂધ ઉત્પાદન મેળવવા માટે ઉચ્ચ નસલના પશુઓ વસાવવાની પણ સલાહ આપી હતી. અંતમાં તેમણે એક અત્યંત મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં સર્વોત્તમ ડેરી દ્વારા 'ગોબર પ્લાન્ટ' યોજના શરૂ કરવામાં આવશે, જેમાં પશુઓનું છાણ અને મૂત્ર ખરીદીને તેના નાણાં સીધા પશુપાલકોને ચૂકવવામાં આવશે, જેથી તેઓ વધારાની આવક મેળવી શકશે અને પશુપાલનનો વ્યવસાય વધુ નફાકારક બનશે. (અહેવાલ - મુકેશ પંડિત)
(11:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
