તા. ૨૭ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૪ ગુરૂવાર
News of Friday, 2nd October 2026
કચ્છના રાપરમાં સરકારી હોસ્પિટલ વાગડ-ખડીર વિસ્તારના ૩ લાખ લોકો માટે બની ‘આરોગ્યનો આધાર’
ત્રણ માસમાં ૪૫૦ પ્રસૂતિ અને ૧૧ હજારથી વધુ લેબ ટેસ્ટ; ડાયાલિસિસ-બ્લડ સ્ટોરેજ સેવા ટૂંક સમયમાં, ૪૫ રૂમનું આધુનિક નવું ભવન પણ તૈયાર થઈ રહ્યું છે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨ : કચ્છના વાગડ અને ખડીર વિસ્તારના આશરે ૧૧૭ ગામોના ૩ લાખ જેટલા નાગરિકો માટે રાપરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ આરોગ્ય સેવાઓનો મહત્વનો આધાર બની છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ૧૦૦ પથારીની ક્ષમતા ધરાવતી આ હોસ્પિટલમાં નિષ્ણાત તબીબો, પેરામેડિકલ સ્ટાફ અને અદ્યતન સારવાર સુવિધાઓનો વ્યાપ સતત વધારવામાં આવી રહ્યો છે. હોસ્પિટલના અધિક્ષક ડો. રોબિનસિંહ રાઠોડના જણાવ્યા મુજબ, ગાયનેકોલોજિસ્ટ, એનેસ્થેટિસ્ટ અને આંખના સર્જન સહિત નિષ્ણાત તબીબો તેમજ મેડિકલ ઓફિસરો, ૨૬ સ્ટાફ નર્સ, લેબ ટેક્નિશિયન, એક્સ-રે સહિતનો સ્ટાફ ફરજ બજાવી રહ્યો છે. હોસ્પિટલમાં દરરોજ સરેરાશ ૨૫૦થી ૩૦૦ OPD નોંધાય છે અને ૩૦થી વધુ દર્દીઓ દાખલ થાય છે.
છેલ્લા ત્રણ માસમાં અહીં ૪૫૦ પ્રસૂતિ, જેમાં ૫૦ સિઝેરિયન, કરાવવામાં આવી છે. આ ઉપરાંત ૧૧ હજારથી વધુ લેબોરેટરી ટેસ્ટ અને ૫૫૦થી ૬૦૦ જેટલા એક્સ-રે કરવામાં આવ્યા છે. ત્રણ માસમાં ૧૩૦ જેટલા MLC કેસ નોંધાયા છે, જ્યારે પોસ્ટમોર્ટમની સુવિધા પણ ઉપલબ્ધ છે. દર્દીઓને વધુ અદ્યતન સારવાર મળી રહે તે માટે હોસ્પિટલમાં ડાયાલિસિસ યુનિટ તૈયાર થઈ ચૂક્યું છે અને ટૂંક સમયમાં સેવા શરૂ થશે. સાથે જ બ્લડ સ્ટોરેજ યુનિટ પણ તૈયાર છે, જે જરૂરી સરકારી સ્ટાફની ફાળવણી બાદ કાર્યરત થશે.
દરમિયાન, પ્રાગપર ચાર રસ્તા પાસે ૪૫ રૂમ અને આધુનિક સાધન-સુવિધાઓ સાથેના નવા હોસ્પિટલ ભવનનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ ભવન આગામી ફેબ્રુઆરી સુધીમાં તૈયાર થવાની અને આવતા વર્ષથી સંપૂર્ણપણે કાર્યરત થવાની અપેક્ષા છે.
રાપર તાલુકાના ૯૭ ગામો અને ખડીરના ૨૦ ગામો ઉપરાંત સરહદ પર તૈનાત આર્મીના જવાનો, પોલીસ કર્મચારીઓ તેમજ વિવિધ સરકારી કચેરીઓના અધિકારીઓ-કર્મચારીઓ માટે રાપર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ઘરઆંગણે આરોગ્ય સેવા પૂરી પાડતી આશીર્વાદરૂપ આરોગ્ય સંસ્થા બની છે. (તસ્વીર: મુકેશ રાજગોર, રાપર)
(9:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
