તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 8th May 2026
જામનગરમાં ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે ગૌસન્માન યાત્રા યોજાઈ
સાધ્વી બહુલા ગોપાલ સરસ્વતીજી સહિત ગૌપ્રેમીઓએ વિરલબાગથી કલેક્ટર કચેરી સુધી પદયાત્રા કરી : રાષ્ટ્રપતિ-વડાપ્રધાનને સંબોધીને આવેદનપત્ર સુપરત કર્યું: સનાતન ધર્મના અનુયાયીઓ અને ગૌપ્રેમીઓ મોટી સંખ્યામાં જોડાયા, ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરી સન્માન આપવા કરી માંગ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા. ૮: જામનગર શહેરમાં ગાયને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવાની માંગ સાથે ગૌસન્માન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિરલબાગ નજીકથી શરૂ થયેલી આ પદયાત્રામાં સનાતન ધર્મના અનુયાયીઓ, ગૌપ્રેમીઓ તેમજ સાધ્વી બહુલા ગોપાલ સરસ્વતીજી સહિતના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
પદયાત્રા વિરલબાગથી નીકળીને કલેક્ટર કચેરીએ પહોંચી હતી, જ્યાં આગેવાનો દ્વારા ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરી સન્માન આપવામાં આવે તેવી માંગ સાથેનું પ્રાર્થના પત્ર રજૂ કરવામાં આવ્યું હતું. આ આવેદનપત્ર રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, રાજ્યપાલ અને મુખ્યમંત્રીને સંબોધીને આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓએ જણાવ્યું કે ગાય ભારતીય સંસ્કૃતિ, કૃષિ અને અર્થવ્યવસ્થાનો આધાર છે. સનાતન ધર્મમાં ગૌમાતાને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે, તેથી તેને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપી રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરવી જોઈએ.
ગૌસન્માન યાત્રામાં જોડાયેલા ગૌપ્રેમીઓએ ગૌમાતાના સંરક્ષણ અને સંવર્ધન માટે સરકાર કડક કાયદા બનાવે તેવી પણ માંગ કરી હતી. શાંતિપૂર્ણ રીતે યોજાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. (તસવીરોઃ કિજલ કારસરીયા, જામનગર)
(10:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
