<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st September 2026

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયામાં તંત્રની બેદરકારીનો વધુ એક નમૂનો : 8-9 ફૂટ ઊંડા ખાડામાં આખલો ખાબક્યો

રામનાથ મહાદેવ મંદિર નજીક કન્સ્ટ્રક્શન સાઇટ પર સુરક્ષા વિના ખુલ્લો ખાડો મુકાતા હંગામો : એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટે રેસ્ક્યુ કરી બચાવ્યો : ગૌભક્તોમાં રોષ

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૨૧ : ખંભાળિયામાં રખડતા ઢોરના ત્રાસ બાદ હવે તંત્રની બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. રામનાથ મહાદેવ મંદિર નજીક આવેલી એક કન્સ્ટ્રક્શન સાઇટ પર 8થી 9 ફૂટ ઊંડા ખાડામાં નંદી (આખલો) ખાબકી પડવાની ઘટનાથી દોડધામ મચી ગઈ હતી.

મળતી માહિતી મુજબ, ખંભાળિયાના રામનાથ મહાદેવ મંદિર નજીક એક કન્સ્ટ્રક્શન સાઇટ પર કોન્ટ્રાક્ટર દ્વારા 8થી 9 ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો. આરોપ છે કે, આ ખાડાને ખોદ્યા બાદ કોઈપણ જાતની સુરક્ષા વ્યવસ્થા, બેરિકેડ કે બાઉન્ડ્રી વિના જ ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો.

આજે સવારે એક નંદી ફરતો ફરતો ત્યાં આવ્યો અને સીધો આ ઊંડા ખાડામાં ખાબકી પડ્યો. નંદીને ખાડામાં પડેલો જોઈ સ્થાનિકોમાં અફરાતફરી મચી ગઈ હતી.

ઘટનાની જાણ થતાં જ ખંભાળિયાના એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. ટીમે ભારે જહેમત બાદ રેસ્ક્યુ કામગીરી હાથ ધરી નંદીને સુરક્ષિત રીતે ખાડામાંથી બહાર કાઢ્યો હતો. સદનસીબે નંદીને ગંભીર ઈજા થઈ નથી.

સ્થાનિકોનો આક્ષેપ છે કે, ખંભાળિયામાં આવા ખુલ્લા ખાડાઓમાં અવારનવાર પશુઓ ખાબકી પડે છે. છતાં જવાબદાર તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આ ઘટનાને લઈ ગૌભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક ધોરણે તમામ ખુલ્લા ખાડાઓને સુરક્ષિત કરવાની માંગ ઉઠી છે.

(9:50 AM IST)