<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th September 2026

મિત્ર જ બન્યો હત્‍યારો: ભાવનગર નકલી દારૂ કાંડમાં ધંધાકીય અદાવતમાં મિત્રએ જ ઝેરી દારૂ પીવડાવી રિક્ષાચાલકને મોતને ઘાટ ઉતાર્યો

૧૩ લોકોના મોત બાદ સમગ્ર કૌભાંડમાં મોટો વળાંક આવ્યો છે, જ્યાં સ્કૂલ વર્ધીના ધંધાકીય સ્પર્ધા અને અંગત અદાવતમાં મિત્રએ જ કાવતરાપૂર્વક ઝેરી દારૂ પીવડાવીને હત્યા આચરી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

ભાવનગર : ભાવનગર શહેરમાં સમગ્ર રાજ્યને હચમચાવી દેનારા ચકચારી નકલી દારૂ કાંડ અંતર્ગત ઘોઘા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત ઓગસ્ટ માસ દરમિયાન આનંદનગર ખાતે રહેતા અને સ્કૂલ વર્ધીની રિક્ષા ચાલક તરીકે ગુજરાન ચલાવતા ભાવેશભાઈ ધીરૂભાઈ વિસાણી નામના યુવકનું શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું હતું. આ મામલે શરૂઆતમાં અકુદરતી મોતની નોંધ કરવામાં આવી હતી પરંતુ એફએસએલ રિપોર્ટમાં મૃતકનું મોત ડુપ્લીકેટ 'રોયલ સ્ટેગ' દારૂ પીવાથી થયું હોવાનું સ્પષ્ટ થતાં અને પોલીસની ઊંડાણપૂર્વકની તપાસ આગળ વધતાં આ ઘટના કોઈ સામાન્ય દુર્ઘટના નહીં પરંતુ ઇરાદાપૂર્વકનું ગુનાહિત કાવતરું હોવાનું બહાર આવ્યું છે.
પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, મૃતક ભાવેશભાઈ અને આરોપી મુકેશ હસમુખભાઈ પટેલ બંને મિત્રો હોવા ઉપરાંત રિક્ષા ડ્રાઇવિંગ કરી સ્કૂલ વર્ધી ચલાવતા હતા, જે દરમિયાન ધંધાકીય વૈમનસ્ય અને મનદુઃખ ઊભું થયું હતું. આ અદાવતના કારણે આરોપી મુકેશે સંજય નામના શખ્સ પાસેથી ડુપ્લીકેટ રોયલ સ્ટેગ દારૂની બોટલ ખરીદી હતી અને દારૂ ઝેરી હોવાની જાણ હોવા છતાં તેને છુપાવી રાખી હતી. ભાવનગર અને આજુબાજુના વિસ્તારોમાં નકલી દારૂ પીવાથી અનેક લોકોના મોત થઈ રહ્યા છે તેવા સમાચારો અને મીડિયા અહેવાલો સતત સામે આવતા હોવા છતાં આરોપી મુકેશે સ્કૂલ વર્ધીના ધંધામાં પોતાનો એકાધિકાર સ્થાપવા અને સીધો આર્થિક ફાયદો મેળવવાના બદઇરાદાથી આ ઝેરી દારૂ કાવતરાપૂર્વક ભાવેશભાઈને પીવડાવી દીધો હતો.
આ અત્યંત ગંભીર અને સનસનાટીભર્યા ઘટસ્ફોટ બાદ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર એ.એસ. કટારાએ જાતે ફરિયાદી બનીને મુખ્ય આરોપી મિત્ર મુકેશ હસમુખભાઈ પટેલ તથા ડુપ્લીકેટ દારૂ સપ્લાય કરનાર સંજય નામના શખ્સ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની હત્યા અને ગુનાહિત કાવતરાની કલમો હેઠળ સત્તાવાર રીતે ગુનો દાખલ કર્યો છે. ભાવનગરના આ ચકચારી પ્રકરણમાં પ્રથમ વખત હત્યાનો ગુનો નોંધાતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે અને બંને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ ચક્ર ગતિમાન કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ભાવનગર પંથકમાં અગાઉ નકલી દારૂનું સેવન કરવાથી કુલ ૧૩ જેટલા નિર્દોષ લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા અને વરતેજ પોલીસ સ્ટેશન ખાતે પણ આ મામલે અગાઉ ગુનાઓ નોંધાયેલા છે, ત્યારે આ નવા ફોલો-અપ અને હત્યાના ખુલાસા બાદ સમગ્ર પ્રકરણ નવો મોડ લઈ ચૂક્યું છે. આગામી સમયમાં પોલીસ દ્વારા બંને આરોપીઓની ધરપકડ કર્યા બાદ આ કૌભાંડના અન્ય મોટા નેટવર્ક અને સપ્લાય ચેઇન વિશે વધુ ચોંકાવનારી વિગતો બહાર આવવાની પૂરી સંભાવના છે.

(12:37 PM IST)