News of Tuesday, 28th July 2026
બગદાણા પૂ.બજરંગદાસબાપાના સાનિધ્યમાં ગુરૂપૂર્ણિમાં મહોત્સવ ઉજવાશે
કાલે મોટી સંખ્યામાં ભાવિકો દર્શને પધારશેઃ મોટી સંખ્યામાં સ્વયંસેવક ભાઇઓ- બહેનો સેવામાં કાર્યરત

(મેઘના વિપુલ હિરાણી- હરેશ જોશી દ્વારા) ભાવનગર- કુંઢેલી તા.૨૮: આગામી તા.૨૯ જુલાઈને બુધવારના રોજ બગદાણા ધામ ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ બડે ધામધૂમ પૂર્વક તેમજ ભક્તિભાવ ભર્યા માહોલમાં ઊજવવામાં આવશે.
પૂ. બજરંગદાસબાપાના બગદાણા ખાતે આવેલા ગુરૂઆશ્રમ ખાતે આગામી અષાઢી પૂનમ ગુરુપૂર્ણિમાના રોજ વહેલી સવારે મંગલા આરતીથી ધાર્મિક અને પરંપરાગત કાર્યક્રમો શરૂ થશે. ધ્વજા પૂજન અને ધ્વજારોહણ બાદ મહા રાજભોગ આરતી તેમજ મહિમાપૂર્ણ ગુરૂપૂજન યોજાશે.
ભારે ભક્તિ અને આસ્થા સાથે પ્રતિવર્ષ આ મહોત્સવ ઉજવવામાં આવે છે, ત્યારે આ વર્ષના ગુરુપૂર્ણિમા મહોત્સવની ગુરૂઆશ્રમ ખાતેથી મળેલી વિગતો પ્રમાણે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. અને તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ અપાય રહ્યો છે.
તૈયારીઓ સાથે આ અવસરે ૪૬૪ ગામોના સંયમ સેવક મંડળોના આશરે ૧૨૩૦૦ સ્વયંસેવક ભાઈઓ તેમજ ૮૮૦ ગામોના સ્વયંસેવક મંડળોના ૨૫૧૦૫ બહેનો ખડે પગે સેવા બજાવશે. ચા પાણી,દર્શન, ર્પાકિંગ,સુરક્ષા અને ભોજનશાળા ઉપરાંત પરિસરની સાફ સફાઈ વગેરે જેવા વિભાગોમાં આ સ્વયંસેવકોની સેવાનો લાભ મળશે.
આશરે ૧.૫ લાખ ભાવિક ભક્તજનો આ મહોત્સવ નો ભાગ બનશે. તેવી ધારણા સાથે રસોડા વિભાગમાં મહાપ્રસાદની તૈયારીઓ કરવામાં આવી છે. જેમાં મહાપ્રસાદના વજન મુજબ લાડવા ૧૫૦૦૦ કિગ્રા, ગાંઠિયા ૭૫૦૦ કિગ્રા, રોટલી ૭૫૦૦ કિગ્રા,શાકભાજી ૧૨૦૦૦ કિગ્રા તથા દાળ ૩૦૦૦ કિગ્રા અને ભાત ૪,૫૦૦ કિગ્રા વજન તૈયાર કરી પીરસવામાં આવશે.
દરમિયાનમાં ગુરુ આશ્રમ ખાતેના ગાદી મંદિર, નુતન મંદિર સહિતના મંદિરો તેમજ સમગ્ર પરિસરને રાત્રિના રોશનીથી ઝળાહળા કરવામાં આવ્યું છે. ગુરુપુનમના આગલા દિવસની રાત્રેથી જ બાપા સિતારામના ભક્તો બગદાણા ધામે પેદલ યાત્રીઓ સહિત ચારે દિશાઓમાંથી ગુરુપૂર્ણિમા મહોત્સવનો પાવન લાભ લેવા મોટી સંખ્યામાં પહોંચશે....!
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
