News of Monday, 23rd November 2026
સફેદ રણમાં જન્મદિવસની ખુશીઓ મનાવી પરત ફરતો પરિવાર મોતના મુખમાં હોમાયો: એક જ અકસ્માતે ત્રણ પરિવારોનો માળો વિખેર્યો
ભુજ ખાવડા રોડ ઉપર ટ્રેલર સાથે કારની ભયાનક ટક્કરમાં ભારતીય સેનાના જવાનો સહિત સાતનાં કરુણ મોત, ગઢવાલ રેજિમેન્ટના જવાનો હાલ ભુજમાં તૈનાત હતા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૩ : કચ્છના સફેદ રણની રોનક માણવા અને પરિવાર સાથે જન્મદિવસની ખુશીઓ વહેંચવા આવેલા ત્રણ પરિવારો માટે આ પ્રવાસ જીવનનો છેલ્લો પ્રવાસ બની રહેશે, એવી કલ્પના પણ કોઈએ નહીં કરી હોય. જે પરિવારો થોડા સમય પહેલાં સુધી હાસ્ય, આનંદ અને ઉજવણીની પળોમાં જીવતા હતા, તેમના જીવનમાં એક જ અકસ્માતે એવો અંધકાર પાથરી દીધો કે હવે પાછળ રહી ગયાં છે માત્ર યાદો, આંસુ અને ક્યારેય ન પૂરી શકાય તેવી ખોટ. ભુજ-ખાવડા માર્ગ પર વેકરિયાના રણ નજીક શનિવારે રાત્રે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતે સાત જિંદગીઓનો ભોગ લીધો હતો. મૃતકોમાં ભારતીય સેનાના જવાનો, તેમની પત્નીઓ અને માસૂમ દીકરીઓનો સમાવેશ થાય છે.
મળતી વિગતો મુજબ મૂળ ઉત્તરાખંડના અને હાલ ભુજમાં તૈનાત ગઢવાલ રેજિમેન્ટના જવાનો પરિવાર સાથે સફેદ રણમાં જન્મદિવસની ઉજવણી કરવા માટે ગયા હતા. પરિવાર સાથે આનંદની પળો વિતાવીને તેઓ ભુજ સ્થિત આર્મી કેમ્પ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન વેકરિયા નજીક ગાડીને ઓવરટેક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એ જ ક્ષણે સામેથી આવતા ટ્રેલર સાથે કારની ભયાનક ટક્કર થઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને તેમાં સવાર તમામ સાત લોકોનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતાં. થોડી ક્ષણો પહેલાં જે કારમાં પરિવારની વાતો અને હાસ્ય ગુંજતું હશે, એ જ કાર અકસ્માત બાદ મોતની ગાડી બની ગઈ હતી.
આ અકસ્માતમાં નાયક સૌરભસિંહ જયપાલસિંહ નેગી, તેમની પત્ની સવિતા અને ૩ મહિનાની પુત્રી સિવિકા, રાજેશસિંહ ભારતસિંહ રાવત, તેમની ૭ વર્ષની પુત્રી રક્ષિતા અને રિંકીબેન નીતિન ગુંસાઈ અને તેમની ૪ મહિનાની પુત્રી વામિકાનું ગંભીર ઈજાઓના કારણે મોત થયું હતું. જવાન નીતિન ગુંસાઈ ત્યારે ભુજમાં ફરજ ઉપર હોઈ પરિવાર સાથે ગયા નહોતા. પરંતુ આ અકસ્માતમાં ત્રણ જવાનોના પરિવારના સભ્યો કાળનો કોળિયો બની જતાં તેમના વતનમાં ઉત્તરાખંડમાં ભારે શોક છવાયો છે. આ અકસ્માતની જાણ થતાં ભુજ સ્થિત આર્મી કેમ્પના અધિકારીઓ, સ્થાનિક પોલીસ અને સંબંધિત ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ કરાવી તેમના વતન કોટદ્વાર લઈ જવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડાએ જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં ઓવરટેક કરવા જતાં સામેથી આવતા ટ્રેલર સાથે અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. અકસ્માતની ઘટના અંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓએ પણ શોક વ્યક્ત કર્યો છે.
(9:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
