News of Tuesday, 22nd September 2026
જ્યાં માનવી નહીં પણ ઊંટ માણે છે મેળો! કચ્છમાં ભેડ માતાજીના ચરણોમાં શીર નમાવતા ઊંટોનો અનોખો ભાતીગળ મેળો યોજાયો
માલધારીઓ અને પશુઓ વચ્ચેની આત્મિયતાની અદભુત મિસાલ: મોમાય માતાજી સામે શીર નમાવી નળિયેરનો પ્રસાદ આરોગતા 'રણના વહાણ', સપરિવાર ઊંટડી અને બોટડાં પણ પહોંચ્યા

ભુજ, તા.૨૨: ગુજરાતમાં સામાન્ય રીતે માણસો મેળાઓની મોજ માણતા હોય છે, પરંતુ રણપ્રદેશ કચ્છમાં પશુઓ અને માનવીઓ વચ્ચેના અનોખા પ્રેમ અને આત્મિયતા દર્શાવતો એક અદ્ભુત અને ભાતીગળ મેળો યોજાય છે. કચ્છના રબારી અને માલધારી સમાજ દ્વારા ભુજ તાલુકાના કોટડા (ચકાર) પાસે આવેલા મોટા બંદરા નજીક ભેડિયા ડુંગર પર બિરાજતા મોમાય માતાજી (ભેડ માતાજી) ના સ્થાનકે આ અનોખો ‘ઊંટોનો મેળો’ ભાદરવા મહિનાની ચૌદશ અને અમાસના પાવન અવસરે ધામધૂમથી યોજાયો હતો.
આ મેળાની સૌથી મોટી વિશિષ્ટતા એ છે કે આખું વર્ષ વફાદારીપૂર્વક માલધારીઓની સાથે રહેતા અને હિજરત દરમિયાન માલસામાન ઊંચકનારા ઊંટોને માલિકો ખાસ ભેડ માતાજીના દર્શને લાવે છે. મંદિરમાં ખાસ તૈયાર કરાયેલા પ્લેટફોર્મ પર ઊંટ પોતે મોમાય માતાજીના ચરણોમાં શીશ નમાવે છે. આ પશુઓને કુમકુમ-ચોખાથી તિલક કરવામાં આવે છે અને શ્રીફળ (નાળિયેર) નો પ્રસાદ ધરાવવામાં આવે છે. પશુપાલકોની એવી દ્રઢ માન્યતા છે કે માતાજીના આશીર્વાદથી ઊંટો આખું વર્ષ તંદુરસ્ત અને રોગમુક્ત રહે છે.
આ વખતે 'સપરિવાર' ઉમટી પડ્યા ઊંટોના ધણ
છેલ્લા કેટલાક સમયથી ઊંટડીના દૂધની લોકપ્રિયતા અને માર્કેટિંગ વધવાને કારણે હવે પશુપાલકો ઊંટડીઓનું પણ મોટા પાયે પાલન કરી રહ્યા છે. જેથી આ વર્ષે મેળામાં માત્ર ઊંટો જ નહીં પરંતુ ઊંટડી અને તેના નાના બોટડાં (બચ્ચાઓ) સાથે 'સપરિવાર' ઊંટોના ધણ ભેડ માતાજીના મંદિર પરિસરમાં ઉમટી પડ્યા હતા.
ભુજ, મુંદરા અને અંજાર તાલુકાના ચુનડી, લફરા, બાંદરા, ચંદીયા, વરલી, જાંબુડી, રેહા અને સણોસરા સહિત ૭૦થી વધુ ગ્રામ્ય વિસ્તારોમાંથી માલધારીઓ પોતાના પશુધન સાથે અહીં પહોંચ્યા હતા. પંચતંત્રની વાર્તા સમાન લાગતી આ ઘટના વાસ્તવમાં કચ્છના રબારી સમાજ અને મૂંગા પશુઓ વચ્ચેના આત્મિય સંબંધો અને સાંસ્કૃતિક વિરાસતનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
(5:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
