<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st September 2026

પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનના શ્રીહરિ મંદિરમાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરણાથી ભક્તિમય માહોલમાં ઉજવાયો રાધાષ્ટમી મનોરથ

સંકીર્તન, વિધિવત્ પૂજન, પુષ્પાભિષેક, બધાઈગીત અને રાસગરબા સાથે રાધાષ્ટમીની ઉજવણી : ભાવિકો અને ઋષિકુમારોએ લીધો દિવ્ય દર્શનનો લાભ

પોરબંદર: પોરબંદર સ્થિત સાંદીપનિ વિદ્યાનિકેતનના શ્રીહરિ મંદિરમાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની દિવ્ય પ્રેરણાથી રાધાષ્ટમીનો પાવન ઉત્સવ બધાઈગીત, સંકીર્તન અને વિવિધ મનોરથો સાથે અત્યંત ઉલ્લાસપૂર્ણ અને ભક્તિમય વાતાવરણમાં ઉજવવામાં આવ્યો હતો.

રાધાષ્ટમીના પાવન પર્વ નિમિત્તે શ્રીહરિ મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાંજે ૬:૦૦ થી ૭:૦૦ વાગ્યા દરમિયાન શ્રીરાધાનામનું સંકીર્તન યોજાયું હતું. ત્યારબાદ સાંજે ૭:૦૦ થી ૭:૩૦ વાગ્યે સાંધ્ય આરતી સંપન્ન કરવામાં આવી હતી. સાંજથી જ રાધાષ્ટમીના વિશેષ પર્વ નિમિત્તે સાંજે ૪:૩૦ થી ૮:૦૦ વાગ્યા સુધી શ્રીરાધાકૃષ્ણ ભગવાનના વિશેષ શૃંગાર દર્શનનું આયોજન પણ કરાયું હતું, જેનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો.

વિવિધ ધાર્મિક મનોરથોની હર્ષોલ્લાસ સાથે ઉજવણી:
રાત્રે ૭:૩૦ થી ૮:૦૦ વાગ્યા દરમિયાન શ્રીરાધાજીનું વિધિવત્ પૂજન અર્ચન કરી, પુષ્પો દ્વારા મનોહર અભિષેક કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે બધાઈગીતોની ગુંજ, રાધાનામ સંકીર્તન અને રાસગરબાની રમઝટ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિરસમાં સરોબોર થઈ ગયું હતું. તદ્ઉપરાંત ઉત્સવની આરતી સંપન્ન કરી મનોરથને પૂર્ણ કરાયો હતો.

આ ભવ્ય ઉત્સવમાં સાંદીપનિ પરિવારના અતિથિઓ, પોરબંદર શહેરના ભાવિક ભક્તો તથા વિદ્યાનિકેતનના ઋષિકુમારોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દર્શન અને પૂજનનો દિવ્ય લાભ લીધો હતો. (અહેવાલ - મુકેશ પંડિત)

(3:16 PM IST)