<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th September 2026

ઋષિ પાંચમને દિવસે તરણેતર કુંડમા સ્નાન કરવા ભક્તોની ભીડ જામી

ત્રિનેતેશ્વર મહાદેવના સાનિધ્યમાં કુંડમાં સ્નાન કરવા માટે સવારથી ભાવિકો ઉમટ્યા :ઋષિ પાંચમે વર્ષો જૂની પરંપરા અકબંધ

સુરેન્દ્રનગર જીલ્લાના થાન તાલુકાના તરણેતર ખાતે યોજાતા વિશ્વ પ્રસિદ્ધ ભાતિગળ લોકમેળામાં ભાદરવા સુદ પાંચમનુ વિશેષ અને પરંપરાગત મહત્વ રહેલું છે ત્યારે ઋષિ પાંચમને દિવસે ત્રિનેતેશ્વર મહાદેવના સાનિધ્યમાં આવેલ કુંડમાં સ્નાન કરવા માટે સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી હતી અને કુંડમાં ડૂબકી લગાવી મોટી સંખ્યામાં લોકોએ પુણ્યતાનુ ભાથુ બાંધ્યું હતુ.
 થાન તાલુકાના તરણેતર ખાતે યોજાતા વિશ્વ પ્રસિદ્ધ લોકમેળામાં આજે પણ ભારતીય સંસ્કૃતિના દર્શન થાય છે અને વર્ષો જૂની પરંપરા અકબંધ જોવા મળી રહી છે. ત્યારે ભાદરવા સુદ પાંચમ એટલે કે ઋષિ પાંચમને દિવસે સવારથી તરણેતરના મેળામાં લોકોની ભીડ ઉમટી પડી હતી અને ત્રિનેતેશ્વર મહાદેવના સાનિધ્યમાં આવેલ કુંડમાં સ્નાન કરી ધન્યતા અનુભવી હતી.
ઋષિ પાંચમને દિવસે વહેલી સવારે આ કુંડમાં ગંગાજી પ્રગટે છે એવી લોકવાયકા રહેલી છે આથી કુંડમાં સ્નાન કરવાથી હરિદ્વાર ગંગા નદીમાં સ્નાન કરવા જેટલું જ પુણ્ય પ્રાપ્ત થાય છે એવું માનવામાં આવે છે. ત્યારે ઋષિ પાંચમને દિવસે સવારથી જ હજારોની સંખ્યામાં ભક્તો અને મહિલાઓ ઉમટી પડ્યા હતા અને કુંડમાં સ્નાન કરી ડૂબકી લગાવી પુણ્યતાનું ભાથુ બાંધ્યું હતુ. 
તરણેતરના લોકમેળામાં ઋષિ પાંચમના દિવસે માત્ર સુરેન્દ્રનગર જ નહિ પરંતુ અમદાવાદ, રાજકોટ, અમરેલી, મહેસાણા સહિતના જીલ્લા અને રાજયભરમાંથી લોકો ઉમટી પડ્યા હતા અને ત્રિનેતેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા તેમજ કુંડમાં સ્નાન કર્યું હતું. માનવીએ જીવનમાં કરેલા પાપો અને ખરાબ વિચારો પણ તરણેતર કુંડમાં સ્નાન કરવાથી ધોવાઈ જાય છે તેવું માનવામાં આવે છે ત્યારે ઋષિ પાંચમના દિવસે કુંડમાં સ્નાન કરવા માટે લોકોની સવારથી ભીડ જોવા મળી હતી અને સમગ્ર માહોલ ભક્તિમય બન્યો હતો. કુંડમાં સ્નાન કરતી વખતે કોઈ અનિરછનીય બનાવ ન બને તે માટે સ્થળ પર તરવૈયાઓ અને પોલીસની ટીમ પણ ખડેપગે તૈનાત રાખવામાં આવી હતી.

 

(12:49 AM IST)