તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th July 2026
ગૌચર બચાવવા આરપારની લડાઈ! નખત્રાણાના ઉગેડી ગામે ખાનગી કંપનીને જમીન અપાતા પ્રચંડ જનઆક્રોશ, હાઈવે જામ કરવાની ચીમકી
ગ્રામસભામાં ‘ગૌચર બચાવો, પર્યાવરણ બચાવો’ના નારાથી પંથક ગાજ્યો: સરપંચે સરકારની બેવડી નીતિ સામે ઠાલવ્યો રોષ, તો કંપનીએ હાઈકોર્ટના આદેશનો હવાલો આપી આક્ષેપો નકાર્યા

ભુજ : કચ્છના બારડોલી પંથક તરીકે વિશ્વવિખ્યાત નખત્રાણા તાલુકાના ઉગેડી ગામે છેલ્લા બે વર્ષથી સળગી રહેલો સીમાડાની કિંમતી ગૌચર જમીનનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. એક ખાનગી કંપનીને માઇનિંગ લીઝ પર જમીન સોંપી દેવાના વિરોધમાં સમગ્ર ગામ એકજુથ થઈ ગયું છે અને આગામી દિવસોમાં આ વિરોધ પ્રદર્શન લોહિયાળ અથવા ઉગ્ર આંદોલનમાં ફેરવાય તેવા સ્પષ્ટ એંધાણ વર્તાઈ રહ્યા છે. ઉગેડી ગ્રામ પંચાયત દ્વારા બોલાવવામાં આવેલી એક વિશેષ અને કટોકટીભરી ગ્રામસભામાં હજારોની મેદની ઉમટી પડી હતી અને 'ગૌચર બચાવો, પર્યાવરણ બચાવો'ના બુલંદ નારાઓ સાથે સમગ્ર સરકારી તંત્રને હચમચાવી મૂક્યું હતું.
ઉગેડી ગામના સરપંચ કરણ રબારીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ હકભીની ગ્રામસભામાં સ્થાનિક આગેવાનો, પશુપાલકો અને ખેડૂતોએ વહીવટી તંત્રની મેલી મુરાદ અને મિલીભગત સામે આક્રોશ ઠાલવ્યો હતો. સભાને સંબોધતા સરપંચ કરણ રબારીએ તંત્ર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, "એક તરફ સરકારી તંત્ર ગૌચર અને સરકારી જમીનો પર થયેલા ગેરકાયદે દબાણો હટાવવા માટે બુલડોઝર ફેરવવાનો દેખાવ કરી રહ્યું છે, જ્યારે બીજી તરફ ખુદ સરકાર જ મૂંગા પશુધનના મોંનો કોળિયો છીનવીને મોટા ઉદ્યોગપતિઓને ગૌચરની જમીન પર માઇનિંગ લીઝની લહાણી કરી રહી છે." તેમણે અત્યંત ગંભીર આક્ષેપ કર્યો હતો કે, સરકારી કાગળોમાં એકના બદલે બીજા સર્વે નંબરો દર્શાવીને મોટું જમીન કૌભાંડ આચરવામાં આવ્યું છે. જો તંત્ર દ્વારા આ લીઝ તાત્કાલિક રદ કરવામાં નહીં આવે તો ગ્રામજનો હાઈવે જામ કરી ઉગ્ર આંદોલન છેડશે.
ગૌચર જમીન એ ગામની અસ્મિતા અને પશુઓનો જીવ હોવાથી આ લડતમાં જ્ઞાતિ-જાતિના ભેદભાવ ભૂલીને તમામ ગ્રામજનો એકતાના તાંતણે બંધાયા છે. આ મહાસભામાં ઉપસરપંચ ભૂપતસિંહ સોઢા, પૂર્વ સરપંચ મીઠુ વાઘેલા સહિતના પંથકના સેંકડો પશુપાલકો અને મહારથીઓએ હાજર રહીને કોઈપણ ભોગે ગૌચર જમીન પર કંપનીને પગ ન મૂકવા દેવાનો મક્કમ સંકલ્પ કર્યો હતો.
બીજી તરફ, ગ્રામજનોના આ આકરા પ્રત્યાઘાત અને આંદોલનની ચીમકી વચ્ચે આ વિવાદમાં સંકળાયેલી ખાનગી કંપની 'ક્રસ્ટ માઇનિંગ પ્રાઇવેટ લિમિટેડ'ના ડાયરેક્ટર દ્વારા એક સત્તાવાર લેખિત ખુલાસો જારી કરીને વિરોધને દબાવવાનો પ્રયાસ કરાયો છે. કંપની પ્રશાસનના જણાવ્યા મુજબ, ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહેલો વિરોધ સંપૂર્ણપણે ગેરમાર્ગે દોરનારો અને કાયદા વિરુદ્ધનો છે. કંપનીએ કાનૂની દસ્તાવેજોનો હવાલો આપતા સ્પષ્ટતા કરી છે કે, માનનીય હાઈકોર્ટના કાયદેસરના હુકમ અને તમામ સંબંધિત સરકારી વિભાગોની મંજૂરીઓ બાદ જ નવા સર્વે નંબર ૩૦૩ માં કંપનીને માઇનિંગ લીઝ ફાળવવામાં આવી છે, જે મહેસૂલી રેકોર્ડ મુજબ ગૌચર નથી પણ સરકારી પડતર જમીન છે.
આમ, એકતરફ પશુધનની સુરક્ષા અને અસ્તિત્વ માટે ગ્રામજનો મરણિયો જંગ લડવા તૈયાર છે, જ્યારે બીજી તરફ કંપની કાનૂની કાગળો રજૂ કરીને કામ ચાલુ રાખવા મક્કમ છે. આ સામસામે આવી ગયેલી સ્થિતિને કારણે આગામી દિવસોમાં સરહદી કચ્છના નખત્રાણા પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસે તેવી પૂરેપૂરી ભીતિ સેવાઈ રહી છે.
(7:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
