<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th November 2026

પોરબંદરના રાણાવાવ પાસેથી ગેરકાયદેસર હથિયાર સાથે જામનગર અને રાજકોટના ગુનામાં નાસતા ફરતા કુખ્યાત આરોપી વિશ્વરાજસિંહ જગદીશસિંહ જાડેજાને ઝડપી પાડતી એલ.સી.બી. ટીમ

એલ.સી.બી. ઇન્ચાર્જ પીઆઈ આર.કે.કાંબરીયાની ટીમે રાણાવાવ રોડ પરથી ઝડપી પાડ્યો : જામનગરના દારૂના ગુનામાં બે વર્ષથી ફરાર અને રાજકોટના હથિયાર ધારાના ગુનામાં વોન્ટેડ હતો

પરેશ પારેખ દ્વારા, પોરબંદર: પોરબંદર જિલ્લામાં ગેરકાયદેસર હથિયારોના કેસો શોધી કાઢવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ અનુસાર, પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે મોટી સફળતા હાંસલ કરવામાં આવી છે. જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ અને એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે.કાંબરીયાની સૂચનાથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

રાણાવાવ પંથકમાંથી ગેરકાયદેસર તમંચા સાથે આરોપી ઝડપાયો:
એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઈ. ઉદયભાઈ વરૂ, હેડ કોન્સ્ટેબલ વીરેન્દ્રસિંહ પરમાર અને પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઈ ઓડેદરાને મળેલી ચોક્કસ હકીકત મુજબ, પોરબંદરથી રાણાવાવ જતા રસ્તે ટોલનાકા બાદ આવેલ પહેલા બ્રિજ નીચે સર્વિસ રોડ ઉપરથી આરોપી વિશ્વરાજસિંહ જગદીશસિંહ જાડેજા (ઉ.વ. ૨૩, રહે. નાની લાખાણી ગામ, શંકર મંદિર સામે, તા.જી. જામનગર) ને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી પાસે કોઈપણ પ્રકારના કાયદેસરના આધાર કે પરવાના વગર પોતાના કબ્જામાં ચાલુ હાલતનો દેશી બનાવટનો તમંચો (અગ્નિશસ્ત્ર) નંગ-૧ કિંદા રૂા. ૨૦૦૦/- નો મળી આવ્યો હતો. જેથી પોલીસે હથિયાર કબ્જે કરી રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે હથિયાર ધારા કલમ ૨૫(૧-બી)એ તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબનો ગુનો નોંધી આગળની કાયદેસરની તજવીજ હાથ ધરી છે.

બિજા ગંભીર ગુનાઓમાં લાંબા સમયથી નાસતો ફરતો હતો આરોપી:
પકડાયેલ આરોપી વિશ્વરાજસિંહ જગદીશસિંહ જાડેજા અગાઉ અન્ય ગંભીર ગુનાઓમાં પણ સંડોવાયેલો હોવાનું ખૂલ્યું છે:
 * જામનગર પંચકોષી એ ડિવીઝન પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા બે વર્ષથી લાલશાહીથી નાસતો ફરતો હતો.
 * રાજકોટ શહેર ડી.સી.બી. પોલીસ સ્ટેશનના હથિયાર ધારા તથા બી.એન.એસ. કલમ હેઠળના ચાલુ તપાસના ગુનામાં પકડવાનો બાકી હતો.

   આ અંગે સંબંધિત પોલીસ સ્ટેશનોને જાણ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

સરાહનીય કામગીરી કરનાર પોલીસ ટીમ:
આ ટાંચણી અને દરોડાની સમગ્ર સફળ કામગીરીમાં એલ.સી.બી. ઇન્ચાર્જ પીઆઈ આર.કે.કાંબરીયા તથા એ.એસ.આઈ. બટુકભાઈ વિંઝુડા, રાજેન્દ્રભાઈ જોષી, રણજીતસિંહ દયાતર, સલીમભાઈ પઠાણ, ગોવિંદભાઈ મકવાણા, મુકેશભાઈ માવદિયા, ઉદયભાઈ વરૂ, કુલદીપસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ જાડેજા, હીમાંશુભાઈ મક્કા, લક્ષ્મણભાઈ ઓડેદરા, વિપુલભાઈ ઝાલા, જીતુભાઈ દાસા, વીરેન્દ્રસિંહ પરમાર અને પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઈ ઓડેદરા, અજયભાઈ ચૌહાણ તથા ડ્રાઇવર કોન્સ્ટેબલ રોહિતભાઈ વસાવા વગેરે સ્ટાફના સભ્યો સક્રિયપણે જોડાયા હતા.

(10:21 PM IST)