News of Wednesday, 17th June 2026
કચ્છમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો:પશ્ચિમ કચ્છ જિલ્લા પ્રમુખ ઝુઝારદાન ગઢવી સહિત 36 હોદ્દેદારોએ સામૂહિક રાજીનામા આપ્યા
પક્ષમાં યોગ્ય સન્માન ન મળવા અને સ્થાનિક સ્તરે જૂથવાદ ચરમસીમાએ પહોંચી જતાં મોટો નિર્ણય :સામુહિક રાજીનામાથી આખું સંગઠન એક ઝાટકે ધરાસાયી

આમ આદમી પાર્ટીને કચ્છ જિલ્લામાં એક બહુ મોટો અને જોરદાર ઝટકો લાગ્યો છે. પશ્ચિમ કચ્છમાં લાંબા સમયથી ચાલી રહેલો આંતરિક અસંતોષ અને જૂથવાદ આખરે સપાટી પર આવ્યો છે. પશ્ચિમ કચ્છ જિલ્લા પ્રમુખ ઝુઝારદાન ગઢવીની આગેવાની હેઠળ આખી ટીમે પક્ષમાંથી સામૂહિક રાજીનામું ધરી દેતા સરહદી જિલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. આ સામૂહિક બળવાને કારણે પશ્ચિમ કચ્છમાં આમ આદમી પાર્ટીનું આખું સંગઠન માળખું એક જ ઝાટકે ધરાશાયી થઈ ગયું છે.
મળતી માહિતી અનુસાર, પક્ષમાં યોગ્ય સન્માન ન મળવા અને સ્થાનિક સ્તરે જૂથવાદ ચરમસીમાએ પહોંચી જતાં આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. એક કે બે નહીં પરંતુ એકસાથે 36 સક્રિય હોદ્દેદારોએ પોતાના પદો પરથી રાજીનામાં આપી દીધા છે. જેમાં પશ્ચિમ કચ્છના જિલ્લા પ્રમુખ ઝુઝારદાન ગઢવી, લોકસભા બેઠકના ઇન્ચાર્જ, વિવિધ તાલુકાના પ્રમુખો અને વિધાનસભા બેઠકોના પ્રભારીઓ અને અન્ય મુખ્ય કાર્યકરોનો સમાવેશ થાય છે.
આ સામૂહિક રાજીનામા બાદ પશ્ચિમ કચ્છના પૂર્વ જિલ્લા પ્રમુખ ઝુઝારદાન ગઢવીએ મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપતા પક્ષની આંતરિક સ્થિતિ પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે સ્પષ્ટ આક્ષેપ કર્યો હતો કે, પક્ષમાં છેલ્લા ઘણા સમયથી ભારે આંતરિક જૂથવાદ ચાલી રહ્યો છે, જેના કારણે પાયાના કાર્યકરો અને નેતાઓ ગૂંગળામણ અનુભવી રહ્યા હતા. વારંવારની રજૂઆતો છતાં આ બાબતે કોઈ સુધારા ન થતાં આખરે આખી ટીમે પક્ષમાંથી મુક્ત થવાનો નિર્ણય કર્યો છે.
(10:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
