<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

દ્વારકાની શ્રી શારદાપીઠ કોલેજને મોટી સિદ્ધિઃ આસિસ્‍ટન્‍ટ પ્રોફેસર ડો.વિનુ વાજાનો ૧૩ લાખનો અથર્વવેદ સંશોધન પ્રોજેક્‍ટ સેન્‍ટ્રલ સંસ્‍કૃત યુનિવર્સિટી દ્વારા મંજૂર

અથર્વવેદના પ્રાકૃતિક-કૃષિ વિષયક મંત્રોનું ભારતીય જ્ઞાન પરંપરામાં સંપાદન અને સંસ્‍કૃત-હિન્‍દી-ગુજરાતી ત્રિભાષી અનુવાદ થશેઃ જગદગુરૂ શંકરાચાર્ય સ્‍વામી સદાનંદ સરસ્‍વતીજીએ આપ્‍યા આશીર્વાદ

(વિનુભાઈ સામાણી દ્વારા)દ્વારકા તા.૧૭: અનંતશ્રી વિભૂષિત દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદ્ગુરુ શંકરાચાર્ય સ્‍વામીશ્રી સદાનંદ સરસ્‍વતીજી મહારાજ અને શ્રી શારદાપીઠ વિદ્યા સભા-ટ્રસ્‍ટ, દ્વારકા સંચાલિત શ્રી શારદાપીઠ કોલેજ-દ્વારકા માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે.

કોલેજના સંસ્‍કૃત વિભાગના આસિસ્‍ટન્‍ટ પ્રોફેસર ડો. વિનુ વાજા દ્વારા રજૂ કરાયેલ ૧૩ લાખ રૂપિયાનો સંશોધન પ્રોજેક્‍ટ  સ્‍થિત સેન્‍ટ્રલ સંસ્‍કૃત યુનિવર્સિટી દ્વારા મંજૂર કરવામાં આવ્‍યો છે.

આ પ્રોજેક્‍ટ અંતર્ગત ભારતવર્ષની દિવ્‍ય-ભવ્‍ય ધરોહર એવા ચાર વેદોમાંના એક અથર્વવેદના પ્રાકૃતિક અને કૃષિવિષયક મંત્રોનું ઊંડાણપૂર્વક અધ્‍યયન કરવામાં આવશે.

સંશોધનમાં આ મંત્રોનું ભારતીય જ્ઞાન પરંપરાના આલોકમાં સંપાદન કરવામાં આવશે અને સાથે તેને સંસ્‍કૃત, હિન્‍દી અને ગુજરાતી એમ ત્રણ ભાષામાં લોકભોગ્‍ય સરળ અનુવાદ સાથે રજૂ કરવામાં આવશે. આ કાર્યથી પ્રાચીન ભારતીય કૃષિ અને પર્યાવરણ વિષયક જ્ઞાન આધુનિક પેઢી સુધી પહોંચશે.

આ ગૌરવરૂપ સિદ્ધિ પ્રાપ્ત થતાં દ્વારકાપીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્‍વામીશ્રી સદાનંદસરસ્‍વતીજી મહારાજએ સમગ્ર કોલેજ પરિવારને આશીર્વાદ આપ્‍યા હતા.

ટ્રસ્‍ટના મંત્રીશ્રી બ્રહ્મચારી નારાયણાનંદજીએ પણ આ સિદ્ધિ બદલ રાજીપો વ્‍યક્‍ત કરીને શુભકામનાઓ પાઠવી હતી.

આ સિદ્ધિને શક્‍ય બનાવવામાં કોલેજના પ્રિન્‍સીપાલ ડો. સંદીપ એ. વાઢેરના હકારાત્‍મક સહકાર, શ્રી દ્વારકાધીશ સંસ્‍કૃત એકેડમી, દ્વારકાના પૂર્વ નિયામક પ્રો. ડો. જયપ્રકાશ નારાયણ દ્વિવેદીજીના માર્ગદર્શન અને સંસ્‍કૃત વિભાગના અધ્‍યક્ષ ડો. વિનુ વાજાના સતત પ્રયાસો મહત્‍વપૂર્ણ રહ્યા હતા.

આ પ્રોજેક્‍ટ મંજૂર થતાં શ્રી શારદાપીઠ કોલેજનું નામ રાષ્ટ્રીય સ્‍તરે સંસ્‍કૃત સંશોધનના ક્ષેત્રે વધુ ઉજ્જવળ બન્‍યું છે. (તસ્‍વીરઃ દિપેશ સામાણી-દ્વારકા)

(11:29 AM IST)