તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th July 2026
ઉનામાં 24 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબક્યોઃ અનેક વિસ્તારો બન્યાં જળમગ્ન
રાજ્યના મોટાભાગના વિસ્તારમાં મેઘરાજાની તોફાની બેટિંગ ચાલુઃ ભારે વરસાદ વરસતાં અને વિસ્તાર બેટમાં ફેરવાયા

જુનાગઢઃ ગીર સોમનાથ જિલ્લાના ઉના, ગીર ગઢડા અને ગીર જંગલ વિસ્તારમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ઉના શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સાત ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે ગીર જંગલ વિસ્તારમાં આઠ ઈંચથી વધુ વરસાદ વરસતા નદીઓ અને જળાશયોમાં પાણીની આવક વધી છે.
ઉપરવાસમાં સતત વરસાદના કારણે રાવલ ડેમ 77 ટકા સુધી ભરાઈ ગયો છે. ડેમનું રૂલ લેવલ જાળવવા માટે તંત્ર દ્વારા ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે. ડેમમાંથી પાણી છોડાતા ઉના અને ગીર ગઢડાના નદી કાંઠાના વિસ્તારોમાં સતર્કતા વધારી દેવામાં આવી છે.
જિલ્લા તંત્ર દ્વારા ઉના અને ગીર ગઢડાના 20થી વધુ ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ચિખલકુબા, જસાધાર, ધોકડવા, મોહબતપરા, કાંધી, મોટા સમઢીયાળા, પડાપાદર, પાતાપુર, ઉમેજ, સામતેર, કાણકબરડા, રામેશ્વર, ગરાળ, મોઠા, સંજવાપુર, માણેકપુર, સનખડા અને ખત્રીવાડ સહિતના ગામોના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
ધોધમાર વરસાદના કારણે ઉના નજીક વહેતી માલણ નદી બે કાંઠે વહેતી થઈ છે. ગાંગડા ગામ નજીક નદીના રૌદ્ર સ્વરૂપને કારણે અનેક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે. ગાંગડા ગામમાં 150થી વધુ ઘરોમાં પૂરના પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘરોમાં રહેલી ઘરવખરી પલળી જતાં સ્થાનિકોને આર્થિક નુકસાન પણ વેઠવું પડ્યું છે.
ગાંગડા ગામ નજીક આવેલી હોટલ ભગીરથમાં પણ પૂરના પાણી ઘૂસી ગયા હતા. હોટલનો ગ્રાઉન્ડ ફ્લોર તેમજ પાર્કિંગ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ જતાં મિલકતને નુકસાન પહોંચ્યું છે. ભારે વરસાદ અને પૂરની સ્થિતિને કારણે ઉના-ભાવનગર હાઈવે પણ પ્રભાવિત બન્યો છે.
માલણ નદીના ધસમસતા પ્રવાહના કારણે ગાંગડા અને ઉંટવાળા ગામને જોડતા માર્ગ પર એક વીજ પોલ ધરાશાયી થયો હતો. વીજ પોલ પડી જતાં અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે અને માર્ગ પર વાહન વ્યવહારને પણ અસર પહોંચી છે.
બીજી તરફ મચ્છુન્દ્રી નદીમાં પણ નવા નીરની આવક નોંધાઈ છે. સનખડા, ગાંગડા, ભાચા અને મોઠા સહિતના ગામોમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને તંત્ર દ્વારા સાવચેત રહેવા અને સુરક્ષિત સ્થળે ખસવા અપીલ કરવામાં આવી છે.
હાલ સમગ્ર વિસ્તારમાં વરસાદી માહોલ યથાવત છે અને તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. આગામી કલાકોમાં વધુ વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને નદી કાંઠાના વિસ્તારોમાં ખાસ ચેતવણી આપવામાં આવી છે.
ઉના, ગીર ગઢડા અને ગીર જંગલ વિસ્તારમાં ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ છે. ઉનામાં 7 ઈંચ અને ગીર જંગલમાં 8 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
રાવલ ડેમ 77 ટકા ભરાઈ જતાં એક દરવાજો ખોલવામાં આવ્યો છે. ઉના અને ગીર ગઢડાના 20થી વધુ ગામોને નદી કાંઠાના વિસ્તારોમાં સતર્ક રહેવા એલર્ટ કરાયા છે.
માલણ નદી બે કાંઠે વહેતા ગાંગડા ગામના 150થી વધુ ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. વીજ પોલ ધરાશાયી થતાં વીજ પુરવઠો ખોરવાયો અને ઉના-ભાવનગર હાઈવે પણ પ્રભાવિત થયો છે.
મચ્છુન્દ્રી નદીમાં પણ નવા નીરની આવક નોંધાઈ છે. સનખડા, ગાંગડા, ભાચા અને મોઠા સહિતના ગામોમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે.
(2:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
