News of Thursday, 26th November 2026
વિસાવદર નજીક મોટા કોટડા પાસે ટ્રકના ચોરખાનામાંથી 7659 બોટલ ઈંગ્લીશ દારૂ ઝડપાયો : રૂ. 22.64 લાખનો મુદ્દામાલ કબજે
ટાટા ટોરસ ટ્રકમા લોખંડ-લાકડાની પ્લેટથી બનાવ્યું હતું ગુપ્ત ચોરખાનું, ચાલકની ઝડપી પૂછપરછમાં ભાંડો ફૂટ્યો, એક આરોપી પકડાયો, બે સહિત અન્ય સામે ગુનો

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨૬ : જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાએ દેશી-વિદેશી દારૂ તથા જુગારની બદીને નેસ્તનાબૂદ કરવા અને ગેરકાયદે પ્રવૃત્તિને સંપૂર્ણપણે ડામી દેવા કડક સૂચના આપેલી હોય, તે અનુસંધાને જૂનાગઢ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર વાય.બી. રાણા તથા પો.સ.ઇ. આર.જી. ચુડાસમાના સીધા માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. બી.ડી. માવદિયા તથા કચેરીના પોલીસ સ્ટાફ વિસાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મોટા કોટડા ગામ નજીક પહોંચતા સંયુક્ત ખાનગીરાહે બાતમી મળી હતી કે, એક ટાટા કંપનીના ટોરસ ટ્રક રજી. નંબર GJ-25-U-8882માં ઠાઠાના ભાગે ઈંગ્લીશ દારૂ ભરેલો છે, જે ટ્રક બગસરા તરફથી આવીને બીલખા તરફના રોડ બાજુ થનાર છે, તેવી ચોક્કસ અને આધારભૂત બાતમી મળતા સદરહુ ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડવાનું સફળ આયોજન કરી બાતમી મુજબના વાહનની વોચમાં હતા તે દરમિયાન બાતમી મુજબનું વાહન ટોરસ ટ્રક બગસરા ગામ તરફથી બીલખા તરફ આવતા વાહન રોકાવી લીધું હતું અને ટ્રકના ચાલકને ટ્રકમાંથી ઉતારીને ટોરસ ટ્રક રજી. GJ-25-U-8882માં જોતા પ્રથમ નજરે ટ્રકનો ઠાઠાનો ભાગ ખાલી અને માત્ર લોખંડ અને લાકડાના પતરાવાળું તળિયું જોવામાં આવ્યું હતું અને ટ્રક ચાલકને ટ્રકમાં દારૂ કઈ જગ્યાએ મૂકી સંતાડી રાખેલ છે તે બાબતે પૂછતા ટ્રકમાં કોઈ જગ્યાએ દારૂ નહીં હોવાનું જણાવી પોલીસને ગુમરાહ કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો, બાદમાં તેની ખોટી જણાવેલી હકીકતમાં વિશ્વાસમાં ન આવી ટ્રક ચાલકની સઘન અને યુક્તિપૂર્વકની પૂછપરછ કરતા આ ટ્રકના ઠાઠાના મૂળ તળિયાની ઉપર લોખંડ તથા લાકડાની પ્લેટોને સ્ક્રુ, નટ-બોલ્ટથી ખાસ રીતે ફીટ કરી બહારથી સામાન્ય રીતે ન જણાય આવે તેવું વેલ્ડિંગ કરી તથા પતરાં-પાટિયાં ગોઠવીને આખા તળિયામાં એક ગુપ્ત ચોરખાનું બનાવવામાં આવ્યું છે, તેમાં ઈંગ્લીશ દારૂ સંતાડેલો છે તેમ જણાવ્યું હતું, આમ હાલમાં કચેરી દ્વારા રેન્જ વિસ્તારમાં અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રોહીબીશન ઈંગ્લીશ દારૂના વધુ પ્રમાણના સફળ કેસો શોધી કાઢવામાં આવેલા હોય, જેથી વધુ સતર્કતા અને ચતુરાઈ દાખવી આ કામના આરોપીઓએ ચોરીછૂપીથી બહારથી ઈંગ્લીશ દારૂ ભરી લઈ આવવા માટે ટ્રકના ઠાઠામાં લોખંડ તથા લાકડાની પ્લેટો સ્ક્રુ તથા નટ-બોલ્ટ વડે ફીટ કરી-કરાવી કૌશલ્યપૂર્વક વિશેષ બનાવટનું ગુપ્ત ચોરખાનું તૈયાર કરી ટ્રકના ચોરખાનામાં ભારતીય બનાવટની અલગ-અલગ બ્રાન્ડ કંપનીના માર્કાવાળી ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેથી સ્થળ ઉપર હાજર મળી આવેલા ટોરસ ટ્રક રજી. GJ-25-U-8882ના ટ્રક ચાલક તથા ઈંગ્લીશ દારૂનો જથ્થો મંગાવનાર હાજર નહીં મળી આવનાર આરોપી તથા વાપી ટોલનાકા પાસે ટ્રકના ઠાઠામાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી આપનાર અજાણ્યા ઈસમ તથા પોલીસ તપાસમાં ખુલે તે તમામ આરોપીઓ વિરુદ્ધ વિસાવદર પોલીસ સ્ટેશન ગુ.ર.નં. 11203070260538/2026 પ્રોહી કલમ 65(ઇ), 116(બી), 81, 98(2) મુજબનો ગુનો રજી. કરાવી આગળની કાયદાકીય તપાસ હાથ ધરવામાં આવી છે, પકડાયેલા આરોપીનું નામ આલાભાઈ મેપાભાઈ સાવધારીયા રહે. મોખાણા ગામ વાડી વિસ્તાર, શિવ મંદિરની બાજુમાં, તા. ભાણવડ, જી. દેવભૂમિ દ્વારકા છે, જ્યારે હાજર નહીં મળી આવનાર આરોપીઓમાં (1) દેવાભાઈ નારણભાઈ સાવધારીયા રહે. મોખાણા ગામ, તા. ભાણવડ, જી. દેવભૂમિ દ્વારકા, (2) અજાણ્યો ઈસમ (વાપી ટોલનાકા પાસે ટ્રક મેળવી ટ્રકના ઠાઠામાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી આપનાર), (3) પોલીસ તપાસમાં ખુલવા પામે તે તમામનો સમાવેશ થાય છે, કબજે કરાયેલા મુદ્દામાલમાં રોયલ ચેલેન્જ ફાઈનેસ્ટ પ્રીમિયમ વ્હિસ્કી પ્લાસ્ટિકની 180 એમ.એલ.ની 528 બોટલ રૂ. 98,736, ઓલ સીઝન્સ ગોલ્ડન કલેક્શન રિઝર્વ વ્હિસ્કી 480 બોટલ રૂ. 89,760, મેજિક મોમેન્ટ્સ સ્મૂથ ઓરેન્જ ફ્લેવર્ડ વોડકા 191 બોટલ રૂ. 29,987, મોમેન્ટ્સ સ્મૂથ ગ્રીન એપલ ફ્લેવર્ડ વોડકા 336 બોટલ રૂ. 52,752, સ્ટર્લિંગ રિઝર્વ B7 રેર બ્લેન્ડ વ્હિસ્કી 1003 બોટલ રૂ. 1,57,471, આઈકોનિક વ્હાઈટ ફાઈનેસ્ટ ઇન્ટરનેશનલ ગ્રેઈન વ્હિસ્કી 5028 બોટલ રૂ. 8,04,480, રોયલ સ્ટેગ ક્લાસિક વ્હિસ્કી 93 બોટલ રૂ. 15,996, એક ટાટા કંપનીનો ટોરસ ટ્રક રજી. નંબર GJ-25-U-8882 રૂ. 10,00,000 અને મોબાઈલ ફોન નંગ-02 રૂ. 15,000 મળી કુલ 7659 બોટલ સહિત કુલ રૂ. 22,64,182નો મુદ્દામાલ કબજે કરાયો છે, ડી.આઈ.જી.પી. દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે, જૂનાગઢ રેન્જ વિસ્તારમાં કોઈપણ પ્રકારની પ્રોહીબીશન અંગેની ગેરકાયદે પ્રવૃત્તિઓ કે અસામાજિક તત્વોને બક્ષવામાં આવશે નહીં, આગામી દિવસોમાં પણ આવી અસામાજિક પ્રવૃત્તિઓ સામે કચેરીના સ્ટાફ દ્વારા કડકમાં કડક કાર્યવાહી સતત ચાલુ રહેશે, આ સારી કામગીરી કરનાર પોલીસ અધિકારી-કર્મચારીઓમાં પોલીસ ઇન્સ્પેક્ટર વાય.બી. રાણા, પો.સ.ઇ. આર.જી. ચુડાસમા, બી.ડી. માવદિયા તથા એ.એસ.આઈ. રામદેવસિંહ ઇન્દુભા, હરદેવસિંહ અમરસિંહ, ગજેન્દ્રસિંહ ઇન્દ્રસિંહ, પ્રદ્યુમનસિંહ રતુભા, પો.હેડ કોન્સ. કનકસિંહ નાનુભાઈ, પ્રવીણસિંહ બાલુભાઈ, જગદીશભાઈ રામસિંગભાઈ, હરેન્દ્રસિંહ ભીખુભા, મહેન્દ્રભાઈ દાનાભાઈ, વિપુલસિંહ કિરણસિંહ, આઝાદસિંહ મૂળુભાઈ, પો.કોન્સ. ભુપતસિંહ ડોલરસિંહ, પ્રવિણસિંહ પીઠાભાઈ, ડાયાભાઈ કાનાભાઈ, અમિતભાઈ કરશનભાઈ, જીતેન્દ્રભાઈ દેસાભાઈ, અરવિંદભાઈ રસિકભાઈ વિગેરેનો સમાવેશ થાય છે.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)
(2:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
