તા. ૨૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક વદ – ૩ શુક્રવાર
News of Friday, 27th November 2026
વિસાવદર નજીક મોટા કોટડા પાસે ટ્રકમાં ૭૬૫૯ બોટલ ઈંગ્લીશ ૧૨ લાખનો દારૂ ઝડપાયો
ટાટા ટોરસ ટ્રકમા લોખંડ-લાકડાની પ્લેટથી બનાવ્યું હતું ગુપ્ત ચોરખાનું, ચાલકની ઝડપી પૂછપરછમાં ભાંડો ફૂટયોઃ બગસરાથી બિલખા આવતો'તોઃ ભાણવડ પંથકનો શખ્સ પકડાયો

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨૭: જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાએ દેશી-વિદેશી દારૂ તથા જુગારની બદીને નેસ્તનાબૂદ કરવા અને ગેરકાયદે પ્રવળત્તિને સંપૂર્ણપણે ડામી દેવા કડક સૂચના આપેલી હોય, તે અનુસંધાને જૂનાગઢ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર વાય.બી. રાણા તથા પો.સ.ઇ. આર.જી. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. બી.ડી. માવદિયા તથા કચેરીના પોલીસ સ્ટાફ વિસાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મોટા કોટડા ગામ નજીક પહોંચતા બાતમી મળી હતી કે, એક ટાટા કંપનીના ટોરસ ટ્રક જીજે-૨૫-યુ-૮૮૮૨માં ઠાઠાના ભાગે ઈંગ્લીશ દારૂ ભરેલો છે, જે ટ્રક બગસરા તરફથી આવીને બીલખા તરફના રોડ બાજુ થનાર છે.
બાતમી મુજબના વાહનની વોચમાં હતા તે દરમિયાન બાતમી મુજબનું વાહન ટોરસ ટ્રક બગસરા ગામ તરફથી બીલખા તરફ આવતા વાહન રોકાવી લીધું હતું અને ટ્રકના ચાલકને ટ્રકમાંથી ઉતારીને ટોરસ ટ્રક જોતા પ્રથમ નજરે ટ્રકનો ઠાઠાનો ભાગ ખાલી અને માત્ર લોખંડ અને લાકડાના પતરાવાળું તળિયું જોવામાં આવ્યું હતું અને ટ્રક ચાલકને ટ્રકમાં દારૂ કઈ જગ્યાએ મૂકી સંતાડી રાખેલ છે તે બાબતે પૂછતા ટ્રકમાં કોઈ જગ્યાએ દારૂ નહીં હોવાનું જણાવી પોલીસને ગુમરાહ કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો, બાદમાં તેની ખોટી જણાવેલી હકીકતમાં વિશ્વાસમાં ન આવી ટ્રક ચાલકની સઘન અને યુક્તિપૂર્વકની પૂછપરછ કરતા આ ટ્રકના ઠાઠાના મૂળ તળિયાની ઉપર લોખંડ તથા લાકડાની પ્લેટોને સ્ક્રુ, નટ-બોલ્ટથી ખાસ રીતે ફીટ કરી બહારથી સામાન્ય રીતે ન જણાય આવે તેવું વેલ્ડિંગ કરી તથા પતરાં-પાટિયાં ગોઠવીને આખા તળિયામાં એક ગુપ્ત ચોરખાનું બનાવવામાં આવ્યું છે, તેમાં ઈંગ્લીશ દારૂ સંતાડેલો છે તેમ જણાવ્યું હતું.જેથી સ્થળ ઉપર હાજર મળી આવેલા ટોરસ ટ્રક રજી. જીજે-૨૫-યુ-૮૮૮૨ના ટ્રક ચાલક તથા ઈંગ્લીશ દારૂનો જથ્થો મંગાવનાર હાજર નહીં મળી આવનાર આરોપી તથા વાપી ટોલનાકા પાસે ટ્રકના ઠાઠામાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી આપનાર અજાણ્યા ઈસમ તથા પોલીસ તપાસમાં ખુલે તે તમામ આરોપીઓ વિરુદ્ધ વિસાવદર પોલીસ સ્ટેશનમાં ગુનો રજી. કરાવી તપાસ હાથ ધરવામાં આવી છે.
પકડાયેલા આરોપીનું નામ આલાભાઈ મેપાભાઈ સાવધારીયા રહે. મોખાણા ગામ વાડી વિસ્તાર, શિવ મંદિરની બાજુમાં, તા. ભાણવડ. જ્યારે હાજર નહીં મળી આવનાર આરોપીઓમાં (૧) દેવાભાઈ નારણભાઈ સાવધારીયા રહે. મોખાણા (૨) અજાણ્યો ઈસમ (વાપી ટોલનાકા પાસે ટ્રક મેળવી ટ્રકના ઠાઠામાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી આપનાર), (૩) પોલીસ તપાસમાં ખુલવા પામે તે તમામનો સમાવેશ થાય છે, કબજે કરાયેલા મુદ્દામાલમાં રોયલ ચેલેન્જ ફાઈનેસ્ટ પ્રીમિયમ વ્હિસ્કી પ્લાસ્ટિકની ૧૮૦ એમ.એલ.ની ૫૨૮ બોટલ રૂ. ૯૮,૭૩૬, ઓલ સીઝન્સ ગોલ્ડન કલેક્શન રિઝર્વ વ્હિસ્કી ૪૮૦ બોટલ રૂ. ૮૯,૭૬૦, મેજિક મોમેન્ટ્સ સ્મૂથ ઓરેન્જ ફ્લેવર્ડ વોડકા ૧૯૧ બોટલ રૂ. ૨૯,૯૮૭, મોમેન્ટ્સ સ્મૂથ ગ્રીન એપલ ફ્લેવર્ડ વોડકા ૩૩૬ બોટલ રૂ. ૫૨,૭૫૨, ર્સ્ટલિંગ રિઝર્વ B7 રેર બ્લેન્ડ વ્હિસ્કી ૧૦૦૩ બોટલ રૂ. ૧,૫૭,૪૭૧, આઈકોનિક વ્હાઈટ ફાઈનેસ્ટ ઇન્ટરનેશનલ ગ્રેઈન વ્હિસ્કી ૫૦૨૮ બોટલ રૂ. ૮,૦૪,૪૮૦, રોયલ સ્ટેગ ક્લાસિક વ્હિસ્કી ૯૩ બોટલ રૂ. ૧૫,૯૯૬, એક ટાટા કંપનીનો ટોરસ ટ્રક રજી. નંબર જીજે-૨૫-યુ-૮૮૮૨ રૂ. ૧૦,૦૦,૦૦૦ અને મોબાઈલ ફોન નંગ-૦૨ રૂ. ૧૫,૦૦૦ મળી કુલ ૭૬૫૯ બોટલ સહિત કુલ રૂ. ૨૨,૬૪,૧૮૨નો મુદ્દામાલ કબજે કરાયો છે.
આ સારી કામગીરી કરનાર પોલીસ અધિકારી-કર્મચારીઓમાં પોલીસ ઇન્સ્પેક્ટર વાય.બી. રાણા, પો.સ.ઇ. આર.જી. ચુડાસમા, બી.ડી. માવદિયા તથા એ.એસ.આઈ. રામદેવસિંહ ઇન્દુભા, હરદેવસિંહ અમરસિંહ, ગજેન્દ્રસિંહ ઇન્દ્રસિંહ, પ્રદ્યુમનસિંહ રતુભા, પો.હેડ કોન્સ. કનકસિંહ નાનુભાઈ, પ્રવીણસિંહ બાલુભાઈ, જગદીશભાઈ રામસિંગભાઈ, હરેન્દ્રસિંહ ભીખુભા, મહેન્દ્રભાઈ દાનાભાઈ, વિપુલસિંહ કિરણસિંહ, આઝાદસિંહ મૂળુભાઈ, પો.કોન્સ. ભુપતસિંહ ડોલરસિંહ, પ્રવિણસિંહ પીઠાભાઈ, ડાયાભાઈ કાનાભાઈ, અમિતભાઈ કરશનભાઈ, જીતેન્દ્રભાઈ દેસાભાઈ, અરવિંદભાઈ રસિકભાઈ વિગેરેનો સમાવેશ થાય છે.(તસ્વીરઃ મુકેશ વાધેલા-જુનાગઢ)
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
