તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 23rd November 2026
ધ્રોલના સોયલ ટોલનાકા પાસે ૭૨ લાખનો દારૂ ઝડપાયો
૭૨ હજાર ચપલા કબ્જેઃ પોરબંદર પંથકના ટ્રક ડ્રાઇવરની ધરપકડ

(મુકુંદ બદિયાણી- સંજય ડાંગર દ્વારા) ધ્રોલ - જામનગર તા.૨૩: જામનગર-રાજકોટ હાઇવે પર સોયલ ટોલનાકા નજીક ધ્રોલ પોલીસે દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરી વિદેશી દારૂની ૧,૫૦૦ પેટી ભરેલો ટ્રક ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે ટ્રકચાલકને ઝડપી લઈ દારૂ, ટ્રક સહિત કુલ રૂ. ૮૨,૦૫,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
માહિતી મુજબ, ધ્રોલ પોલીસને મળેલી બાતમી અને કાર્યવાહી દરમિયાન સોયલ ટોલનાકા પાસે ટાટા કંપનીનો બ્રાઉન કલરનો ટ્રક નં. જીજે-૨૫-યુ-૮૮૧૧ અટકાવી તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂના ૭૨,૦૦૦ ચપલા મળી આવ્યા હતા. જેની અંદાજિત કિંમત રૂ. ૭૨ લાખ થાય છે. પોલીસે ટ્રકચાલક ભગીરથ ઉર્ફે ભાણો (ભગો) નાથાભાઈ કંટારા રબારી (ઉં.વ. ૨૩, રહે. બાવળવાવ, તા. પોરબંદર)ને ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂની કિંમત રૂ. ૭૨ લાખ, ટ્રકની કિંમત રૂ. ૧૦ લાખ તથા મોબાઇલ ફોન, તાલપત્રી અને દોરડું મળી કુલ રૂ. ૮૨,૦૫,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ ગુનામાં દારૂનો જથ્થો મંગાવનાર રાણપર ગામના આલાભાઈ ખીમાભાઈ કોડીયાતર અને પોપટ આલાભાઈ કોડીયાતર તેમજ રાજસ્થાનના ભીલવાડા ખાતે રહેતા રાજુભાઈ મારવાડી સહિતના શખ્સો સામે ગુનો નોંધાયો છે. આ તમામ હાલ પોલીસ પકડથી દૂર હોય પોલીસે તેમને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ કાથળભાઈ મકવાણાએ ફરિયાદ નોંધાવી છે. ગુનો દાખલ કરવાની કામગીરી જે.કે. દલસાણી દ્વારા કરવામાં આવી હતી, જ્યારે વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર પી.એન. ખાચર ચલાવી રહ્યા છે. ધ્રોલ પોલીસની આ કાર્યવાહીએ દારૂની હેરાફેરી કરતા તત્ત્વોમાં ફફડાટ ફેલાવ્યો છે. હવે આ દારૂનો જથ્થો કયાંથી આવ્યો હતો અને કોના સુધી પહોંચાડવાનો હતો તે અંગે પોલીસ તપાસમાં વધુ વિગતો બહાર આવે તેવી શકયતા છે.
(11:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
