તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 26th October 2026
કાળી ચૌદશની ગેરમાન્યતાઓ દૂર કરવા ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા 7 નવેમ્બરે કાર્યક્રમ યોજાશે.
પડધરીના તરઘડી ગામના સ્મશાનમાં યોજાનાર કાર્યક્રમ માટે જાગૃતિ માટે મોરબીમાં પત્રિકાનું વિતરણ કરાયું : ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ અનાજનો બગાડ અટકાવવા અપીલ કરી.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : કાળી ચૌદશ સાથે જોડાયેલી વર્ષો જૂની ગેરમાન્યતાઓ, કુરિવાજો અને અંધશ્રદ્ધાને નાબૂદ કરવા માટે 'ભારત જન વિજ્ઞાન જાથા' દ્વારા દેશવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત ગુજરાતમાં રાજ્ય કક્ષાનો મુખ્ય કાર્યક્રમ રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના તરઘડી ગામના સ્મશાનમાં યોજવામાં આવનાર છે.
આ કાર્યક્રમના પ્રચાર-પ્રસાર અને લોકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવવા માટે જાથા દ્વારા રાજ્યવ્યાપી પત્રિકા વિતરણ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે.
જેના ભાગરૂપે ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના કાર્યાલય ખાતે જાગૃતિ પત્રિકા વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ભારત જન વિજ્ઞાન જાથાના ચેરમેન જયંતભાઈ પંડ્યાના પ્રયાસોની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, "વર્તમાન સમય વિજ્ઞાન અને ટેક્નોલોજીનો છે. કાળી ચૌદશે લોકો ચાર રસ્તે કુંડાળા કરીને વડા મૂકે છે, તેનાથી અનાજનો ભારે બગાડ થાય છે. આજે લોકોને અનાજ અને પાણીની ખૂબ જરૂર છે, તેનો દુર્વ્યય અટકાવવો એ આપણી સૌની ફરજ છે". તેમણે લોકોને આ અંધશ્રદ્ધામાંથી બહાર આવી, તરઘડી ખાતે 7 નવેમ્બરે સ્મશાનમાં યોજાનાર કાર્યક્રમમાં સહભાગી થવા અને દેશની પ્રગતિમાં ફાળો આપવા અપીલ કરી હતી.
ભારત જન વિજ્ઞાન જાથાના રાજ્ય ચેરમેન એડવોકેટ જયંત પંડ્યાએ જણાવ્યું હતું કે, "છેલ્લા 33 વર્ષથી અમારી સંસ્થા કાળી ચૌદશની ગેરમાન્યતાઓ સામે લોકોને જાગૃત કરવાનું કામ કરે છે. ભારત દેશને આવી કુપ્રથાઓ અને કુરિવાજોથી મોટું નુકસાન થયું છે. ભૂત, પ્રેત, ડાકણ કે આસુરી શક્તિઓનું કોઈ અસ્તિત્વ જ નથી". તેમણે વધુમાં ઉમેર્યું કે, "7 નવેમ્બર 2026 ને શનિવારના રોજ રાત્રે 9 કલાકે તરઘડી ગામના સ્મશાનમાં અમે અદભુત અને વૈજ્ઞાનિક ચમત્કારોના નિદર્શન સાથે કાળી ચૌદશની ઉજવણી કરીશું. લોકોએ ચાર ચોકમાં કુંડાળા કરવાનું બંધ કરી, ખોટો ડર કાઢી, વૈજ્ઞાનિક અભિગમ અપનાવવો જોઈએ".
મોરબીના રવાપર વિસ્તારમાં પણ જાથાના કાર્યકરો રમેશભાઈ રાઠોડ, હીરાભાઈ જાદવ, મહેશભાઈ લાધવા, વિનુભાઈ વણોલ, ફાલ્ગુન કાલરીયા, હર્ષાબેન પંડ્યા, યોગેશભાઈ પંડ્યા અને રોમીતભાઈ રાજદેવ સહિતનાઓએ લોકોને રૂબરૂ મળીને પત્રિકાઓ વહેંચી હતી અને ચાર રસ્તે કુંડાળા ન ક૨વા સમજાવ્યા હતા. લોકોએ પણ આ કુપ્રથાને તિલાંજલિ આપવા માટે હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. જાથાની ટીમે મોરબી જિલ્લા કલેક્ટર, ડીડીઓ અને એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય આગેવાનોને મળીને અનાજનો બગાડ અટકાવવા પરિપત્ર બહાર પાડવા અપીલ કરી છે. આગામી 10 દિવસમાં રાજ્યના 34 જિલ્લાઓમાં આ પત્રિકા વિતરણ કરી લોકજાગૃતિ કેળવવામાં આવશે
(11:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
