<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th September 2026

હળવદ તાલુકામાં ઇલેક્‍ટ્રિક મોટરના વાયર ચોરતી ગેંગના ૭ આરોપીઓ ઝડપાયા

 

( દીપક જાની દ્વારા )હળવદ તા.૧૮: પંથકમાં ખેતરોમાંથી ઇલેક્‍ટ્રિક મોટરના કેબલ વાયર ચોરી ક૨તી ગેંગને મોરબી LCB એ ઝડપી પાડી છે. પોલીસે ૭ આરોપીઓની ધરપકડ કરી કુલ રૂપિયા ૬,૨૬,૧૦૦ નો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે અને હળવદ પોલીસ મથકના કેબલ ચોરીના ૩ વણઉકેલાયેલ ગુનાઓનો ભેદ ઉકેલ્‍યો છે.

મળતી માહિતી મુજબ,હળવદમાં ગત તારીખ ૧૫/૦૯/૨૦૨૬ ના રોજ કોપર કેબલ ચોરીના ૩ અલગ અલગ ગુનાઓ નોંધાયા હતા. આ વણશોધાયેલ ગુનાઓ ઉકેલવા હળવદ પાસે વેગડવાવ રોડ પર આવેલ ડમ્‍પીંગ સ્‍ટેશન પાછળ અવાવરુ જગ્‍યાએથી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન ૭ શખ્‍સો મુદ્દામાલ સાથે મળી આવતા તેમની પૂછપરછ કરી તમામની અટકાયત ક૨વામાં આવી હતી.

પકડાયેલા આરોપીઓ૧. અજય જીવરાજભાઈ કુંઢીયા૨. ચેતનભાઈ પરબતભાઈ જાગરીયા ૩. નારણભાઈ ઉર્ફે હિતેશ વાલજીભાઈ રાઠોડ ૪. રાહુલભાઈ અમરતભાઈ ઉધરેજીયા ૫. પ્રવિણ ઉર્ફે દિનેશ મગનભાઈ ધામેચા ૬. રાહુલ ઉર્ફે પૂયુ બાબુભાઈ ગોહિલ ૭.સુનિલભાઈ અજીતભાઈ હળવદીયા (ચોરીનો માલ રાખનાર) . પકડાયેલ આરોપીઓ પૈકી અજય કુંઢીયા, સુનિલ હળવદીયા, ચેતન જાગરીયા અને પ્રવિણ ધામેચા અગાઉ પણ અનેક ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂકયા છે.

પોલીસે આ આરોપીઓ પાસેથી ચોરીના કેબલમાંથી કાઢેલ આશરે ૩૭ કિલો કોપર વાયર, અન્‍ય ચોરીઓમાંથી મેળવેલ ૬૦ કિલો કોપર વાયર અને એક સફેદ કલરની ક્રેટા કાર (જીજે૩૭ -બી- ૯૨૮૨) મળી કુલ રૂપિયા ૬,૨૬,૧૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

(10:48 AM IST)