<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th September 2026

અમરેલીના રાજુલાના ચાંચ બંદર ગામે ગણેશ વિસર્જન બાદ 3 યુવકો ઊંડા પાણીમાં ડૂબ્યા : બે યુવકોને બચાવી લેવાયા :એકની શોધખોળ

સ્થાનિકોની સતર્કતાથી 2 યુવકોને બચાવી લેવાયા પરંતુ 19 વર્ષીય વીરસંગ ગુજરીયા હજુ લાપતા: તંત્ર દ્વારા તેની શોધખોળ ચાલુ :સમગ્ર પંથકમાં ચિંતાનો માહોલ

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ચાંચ બંદર ગામે દરિયાઈ ખાડીમાં ગણપતિ વિસર્જન કરી પરત ફરતી વખતે 3 યુવકો દરિયાઈ ઊંડા પાણીમાં ડૂબ્યા હોવાની મોટી દુર્ઘટના સર્જાઈ છે. ઘટનામાં સ્થાનિકોની ત્વરિત સતર્કતાને કારણે 2 યુવકોને સહીસલામત બચાવી લેવાયા છે, જ્યારે 19 વર્ષીય એક યુવક હજુ પણ લાપતા હોવાનું જણાય છે.

મળતી વિગતો મુજબ, ચાંચ બંદર ગામે ગ્રામજનો ગણેશ વિસર્જન માટે દરિયાઈ ખાડી કિનારે એકઠા થયા હતા. ગણેશ વિસર્જન કર્યા પછી પરત ફરતાં સમયે અચાનક 3 યુવકો ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યા હતા. ઘટનાને પગલે કિનારે હાજર લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.

દુર્ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકોએ ત્વરિત સાહસ દાખવી પાણીમાં ઝંપલાવ્યું હતું અને ડૂબી રહેલા 3 યુવકોમાંથી 2 યુવકોને હેમખેમ બહાર કાઢ્યા હાત. જો કે, વીરસંગ ગુજરીયા નામનો યુવક હજુ લાપતા હોવાથી તેની શોધખોળ ચાલી રહી છે.

 

આ કરૂણ બનાવની જાણ થતાં જ ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બનાવ અંગે જાણ કરાતાં મામલતદાર, સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રની કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

(10:32 PM IST)