News of Tuesday, 1st September 2026
મોરબીની મયુર હોસ્પિટલમાં રાજવી પરિવારના સહયોગથી ૮ નવા ડાયાલિસીસ મશીનોનું લોકાર્પણ કરાયું : કુલ ૧૪ મશીનો થતાં દર્દીઓને મળશે મોટી રાહત
સ્વર્ગસ્થ મહારાજ કુમારી હર્ષદ દેવીબાની સ્મૃતિમાં નવા મશીનો શરૂ કરાયા : દરરોજ ૪૨ દર્દીઓને સંપૂર્ણ વિનામૂલ્યે ડાયાલિસીસની સુવિધા ઉપલબ્ધ બનશે

મોરબી: મોરબી રાજવી પરિવાર દ્વારા સંચાલિત મયુર હોસ્પિટલ ખાતે સ્વર્ગસ્થ મહારાજ કુમારી હર્ષદ દેવીબાની સ્મૃતિમાં નવા ૮ ડાયાલિસીસ મશીનોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ નવા મશીનો ઉમેરાતાં મયુર હોસ્પિટલમાં હવે કુલ ૧૪ ડાયાલિસીસ મશીનો કાર્યરત થઈ ગયા છે, જેનાથી વિસ્તારના કિડનીના દર્દીઓને મોટી રાહત મળી રહેશે.
આ લોકાર્પણ પ્રસંગે રાજવી પરિવારના રાજકુમારી ઉમાબા અને મીરાબા, રાજકોટના રાજકુમાર જયદીપસિંહ માધાતાસિંહ જાડેજા, રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, મોહનભાઇ કુંડારીયા, ડો. જયંતિભાઈ ભાડેસિયા અને વિનોદભાઈ ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત બી.ટી. સવાણી હોસ્પિટલના ચેરમેન નાનુભાઈ મકવાણા, મેનેજીંગ ટ્રસ્ટી અરુણભાઈ પટેલ અને ટ્રસ્ટી ડો. વિવેક જોશી સહિતના અગ્રણીઓએ હાજરી આપી હતી.
રાજવી પરિવારનું સેવાકાર્ય સમગ્ર ગુજરાત માટે પ્રેરણાદાયી:
કાર્યક્રમમાં સંબોધન કરતાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, સાચી સમૃદ્ધિ બેંક બેલેન્સ નહીં પરંતુ ઉત્તમ શિક્ષણ અને આરોગ્ય છે. મોરબી રાજવી પરિવારનું સેવાકાર્ય આખા ગુજરાતના અન્ય રાજવી પરિવારો માટે પ્રેરણારૂપ છે. મચ્છુ ડેમ હોનારત, ભૂકંપ અને ઝૂલતાપુલ દુર્ઘટના સહિતની તમામ વિકટ પરિસ્થિતિઓમાં રાજવી પરિવારે લોકોના દુઃખમાં સહભાગી બનીને અવિરત સેવા આપી છે. વધતી બીમારીઓ સામે સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ અને અગમચેતી કેળવવી જરૂરી હોવાનું જણાવી તેમણે ભવિષ્યમાં પણ આ શુભ કાર્યોમાં પૂરતો સહયોગ આપવાની ખાતરી આપી હતી.
દરરોજ ૪૨ દર્દીઓને મળશે ફ્રી સારવાર:
બી.ટી. સવાણી ગ્રુપના ડો. વિવેક જોશીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, અગાઉ સિમ્પોલો ફાઉન્ડેશનના સહયોગથી ૬ ડાયાલિસીસ મશીન શરૂ કરાયા હતા. હવે રાજવી પરિવારના સહયોગથી બીજા ૮ નવા મશીનો ઉમેરાતા કુલ ૧૪ મશીનો કાર્યરત થયા છે. એક મશીન પર પ્રતિદિન ૩ દર્દીઓનું ડાયાલિસીસ થતું હોવાથી હવે દરરોજ ૪૨ જેટલા દર્દીઓને વિનામૂલ્યે સેવા મળશે.
આ ઉપરાંત બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ રાજકોટ ખાતે ૫૦ મશીનોથી રોજના ૨૦૦ અને જૂનાગઢમાં ૧૫ મશીનો કાર્યરત હોવાની વિગતો આપવામાં આવી હતી. સરકારની પીએમ જય (PMJAY) યોજના અંતર્ગત દર્દીઓને ફ્રીમાં ડાયાલિસીસ કરી આપવામાં આવે છે. જે દર્દીઓ પાસે આ કાર્ડ નથી તેમનો રૂ. ૫૦૦ નો ખર્ચ પણ દાતાઓના સહયોગથી વહન કરવામાં આવતો હોવાથી દર્દીઓ માટે સારવાર તદ્દન મફત રહે છે. લોકો પોતાની જીવનશૈલી સુધારે, ડાયાબિટીસ નિયંત્રણમાં રાખે અને તમાકુના વ્યસનથી દૂર રહે તેવી અપીલ કરવામાં આવી હતી.
(4:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
