<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st August 2026

જુનાગઢના મેંદરડા તાલુકામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત કફોડી: ખડપીપળી ગામના ખેડૂતોનો મગફળીનો પાક નિષ્ફળ ગયો

છેલ્લા બે મહિનાથી વધુ સમયથી વરસાદે વિરામ લીધો છે. વરસાદના અભાવે ખેતરોમાં પાક સુકાઈ રહ્યો છે

જુનાગઢના મેંદરડા તાલુકામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ખડપીપળી ગામના ખેડૂતોનો મગફળીનો પાક નિષ્ફળ ગયો છે. મગફળીના પાક બાદ આંતરપાક તરીકે અડદનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ અડદનો પાક પણ નિષ્ફળ જવાની ભીતિ છે. ખેડૂતોના જણાવ્યા મુજબ છેલ્લા બે મહિનાથી વધુ સમયથી વરસાદે વિરામ લીધો છે. વરસાદના અભાવે ખેતરોમાં પાક સુકાઈ રહ્યો છે અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતો પોતાની વ્યથા સાથે સરકાર પાસે તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવાની અને મેંદરડા વિસ્તારમાં દુષ્કાળ જાહેર કરવાની માગ કરી રહ્યા છે. આ ઉપરાંત ખેડૂતોના દેવા માફ કરવાની પણ માગ ઉઠી છે. પાક નિષ્ફળ જતાં ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. હવે સરકાર ખેડૂતો માટે શું રાહત જાહેર કરે છે તેના પર નજર છે.

(9:40 PM IST)