તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 31st August 2026
રમતગમતથી યુવાનોમાં શિસ્ત, આત્મવિશ્વાસ અને નેતૃત્વના ગુણો વિકસે છે : સાંસદ વિનોદભાઈ ચાવડા
નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે સાંસદ દ્વારા આદિપુરમાં ટેબલ ટેનિસ-બેડમિન્ટન અને માધાપર ભુજમાં હોકી સ્પર્ધાનું આયોજન

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩૧ : યુવાનો માત્ર દેશનું ભવિષ્ય જ નહીં, પરંતુ વર્તમાનની સૌથી મોટી શક્તિ છે. રમતગમતના માધ્યમથી યુવાનોમાં શિસ્ત, સંઘર્ષશક્તિ, આત્મવિશ્વાસ અને નેતૃત્વ જેવા ગુણોનો વિકાસ થાય છે, તેમ કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું.
મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિ નિમિત્તે તા. ૨૯ ઓગસ્ટના રોજ ઉજવાતા ‘નેશનલ સ્પોર્ટ્સ ડે’ અંતર્ગત કચ્છ લોકસભા બેઠક દ્વારા યુવાનોમાં રમતગમત પ્રત્યે જાગૃતિ, ઉત્સાહ અને ખેલદિલીની ભાવના વિકસે તેમજ તેમની પ્રતિભાને યોગ્ય પ્લેટફોર્મ મળે તેવા ઉદ્દેશ્યથી વિવિધ રમતગમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અંતર્ગત આદિપુર સ્થિત હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે ટેબલ ટેનિસ અને બેડમિન્ટન સ્પર્ધા યોજાઈ હતી, જ્યારે માધાપર ગામ ખાતે આવેલી એમ.એસ.વી. હાઈસ્કૂલ ખાતે હોકી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ સ્પર્ધાઓમાં યુવા ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની રમતગમતની પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. મેજર ધ્યાનચંદજીના અદમ્ય સમર્પણ, રમત પ્રત્યેની નિષ્ઠા અને દેશપ્રેમથી પ્રેરણા લઈને કચ્છના યુવાનો રમતગમત ક્ષેત્રે આગળ વધે, પોતાની પ્રતિભાને ઓળખે અને રાષ્ટ્રના ગૌરવમાં વધારો કરે તેવા સંકલ્પ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લેનાર ખેલાડીઓને મેડલ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ રમતગમતને જીવનનો અભિન્ન હિસ્સો બનાવીને સ્વસ્થ, સશક્ત અને આત્મવિશ્વાસથી ભરપૂર યુવા પેઢીના નિર્માણમાં સહભાગી બનવા સૌને આહ્વાન કર્યું હતું.
કાર્યક્રમ દરમિયાન ભાજપા જિલ્લા મહામંત્રી હિતેશભાઈ ખંડોર, ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી, મહિલા મોરચા અધ્યક્ષ પારૂલબેન કારા, વાલજીભાઈ ડાંગર, સરપંચ શ્રી કુલદીપસિંહ ચૌહાણ, ભારતભાઈ રાઠોડ, દિનેશભાઈ ઠક્કર, તેજસભાઈ શેઠ, કલ્પેશભાઈ પટેલ, વિજયભાઈ પરમાર, વિક્રમભાઈ મુલચન્દાની, વિજયસિંહ જાડેજા, ઘેલાભાઈ ભરવાડ, સુરેશભાઈ ધુવા, દેવેન્દ્રસિંહ જાડેજા, મનોજભાઈ મુલચંદાની, મનીષભાઈ હિંગોરાની, પ્રશાંતભાઈ બુચ, હિતેશભાઈ, કાનજીભાઈ, કમલભાઈ ગઢવી, વિનોદભાઈ પીન્ડોરીયા, જગદીશભાઈ માધાપરિયા, પ્રવિણાબેન રાઠોડ, ભરતભાઈ આહીર, દીપકભાઈ ડાંગર સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
કોચ ડી.એલ. ડાકી સાહેબ તથા ગ્રામ પંચાયતના સભ્યોએ પણ ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન યુવા ખેલાડીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
