<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th August 2026

જ્‍યાં દીકરો મર્યો ત્‍યાં જ પિતાએ ૧૪ વર્ષ બાદ ટ્રેન સામે પડતું મૂકીને આપઘાત કર્યો

થાનગઢ દલિત હત્‍યાકાંડમાં હૃદયદ્રાવક વળાંક : પોલીસ ફાયરિંગમાં : ૫૩ વર્ષીય અમરશી સુમરાએ હાપાથી મુંબઈ જતી દુરંતો એક્‍સપ્રેસ સામે જીવન ટૂંકાવ્‍યું: પરિવારજનોનો આક્ષેપ : ૨૦૧૨માં તરણેતરના મેળા દરમિયાન પોલીસ ફાયરિંગમાં ૧૬ વર્ષીય પુત્ર પંકજ સુમરા સહિત ૩ દલિત યુવાનોના મોત થયા હતા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૨૯ : થાનગઢના ચકચારી દલિત હત્‍યાકાંડમાં ૧૪ વર્ષ બાદ વધુ એક કરૂણ ઘટના બની છે. પોલીસ ગોળીબારમાં જ્‍યાં દીકરો મર્યો હતો, ત્‍યાં જ પિતાએ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ૫૩ વર્ષીય અમરશી સુમરાએ ૨૬મી ઓગસ્‍ટની રાત્રે થાનગઢ-લાખમાંચી વચ્‍ચે હાપાથી મુંબઈ જતી દુરંતો એક્‍સપ્રેસ સામે પડતું મૂકી જીવન ટૂંકાવ્‍યું હોવાનો આરોપ તેમના પરિવારજનોએ કર્યો છે. બનાવની જાણ થતા રેલવે પોલીસ ઘટનાસ્‍થળે દોડી ગઈ હતી.

નોંધનીય છે કે સપ્‍ટેમ્‍બર ૨૦૧૨માં સુરેન્‍દ્રનગર જિલ્લાના થાનગઢમાં તરણેતરના મેળા દરમિયાન દલિતો અને અન્‍ય સમાજના લોકો વચ્‍ચે ઘર્ષણ થયા બાદ થયેલા પોલીસ ફાયરિંગમાં મેહુલ રાઠોડ, પંકજ સુમરા અને પ્રકાશ પરમાર નામના ત્રણ દલિત યુવાનોનાં મળત્‍યુ નીપજ્‍યાં હતા. જેમાં અમરશી સુમરાનો ૧૬ વર્ષીય પુત્ર પંકજ સુમરા પણ સામેલ હતો.

આ બનાવ સમગ્ર રાજ્‍યની સાથે દેશભરમાં પણ ચર્ચાનો વિષય બન્‍યો હતો. દીકરાના મોત બાદ છેલ્લા ૧૪ વર્ષથી ન્‍યાયની લડત લડતા પિતાએ આખરે તે જ સ્‍થળ નજીક આપઘાત કરતા પરિવારમાં આક્રંદ છવાયો છે.

(10:38 AM IST)