તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th August 2026
એક દીકરી ભણે ત્યારે તેના સમગ્ર પરિવાર અને આવનારી પેઢીનો વિકાસઃ કુંવરજીભાઇ બાવળીયા
પોરબંદરમાં પ્રભારી મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સમરસ વિદ્યા સેતુ અભિયાનનો પ્રારંભ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૨૮: જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ પહેલ તરીકે જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે ‘સમરસ વિદ્યા સેતુ અભિયાન' તથા ‘સેવા સમાધાન પોર્ટલ'નો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ નવયુગ વિદ્યાલય ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લાના પ્રભારી મંત્રી તથા શ્રમ, રોજગાર અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા વર્ચ્યુઅલી જોડાયા હતા. કુંવરજીભાઇએ જણાવેલ કે, દીકરી ભણે ત્યારે તેના સમગ્ર પરિવાર અને આવનારી પેઢીનો વિકાસ થાય છે.
શ્રમ, રોજગાર અને ગ્રામ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે, ‘સમરસ વિદ્યા સેતુ અભિયાન' માત્ર આંકડાકીય માહિતી એકત્ર કરવા પૂરતું સીમિત નથી, પરંતુ શાળા છોડી ગયેલા (ડ્રોપઆઉટ) બાળકોના ડ્રોપઆઉટ પાછળના સામાજિક કારણો શોધી તેમને ફરીથી શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવાનો મહત્વપૂર્ણ પ્રયાસ છે. ખાસ કરીને દીકરીઓના શિક્ષણ અને સુરક્ષા પર ભાર મૂકતા તેમણે જણાવ્યું હતું કે, એક દીકરી ભણે છે ત્યારે સમગ્ર પરિવાર અને આવનારી પેઢીનો વિકાસ થાય છે. તેથી સ્થળાંતર કરતા પરિવારોના બાળકોની શિક્ષણયાત્રા ન અટકે તે માટે વહીવટી તંત્ર, શાળા વ્યવસ્થાપન સમિતિઓ, ગ્રામ પંચાયતો અને સમાજે લોકભાગીદારીથી સંકલિત પ્રયાસો કરવા જરૂરી છે.
કુંવરજીભાઇએ જણાવ્યું હતું કે, શિક્ષણ વ્યવસ્થાની મહત્વપૂર્ણ કડી એવા શિક્ષકોના સેવાકીય પ્રશ્નોના નિરાકરણ માટે ‘સેવા સમાધાન પોર્ટલ' કાર્યરત કરવામાં આવ્યું છે. ટેકનોલોજી આધારિત આ વ્યવસ્થાથી શિક્ષકોના સેવાકીય પ્રશ્નોનો પારદર્શક અને સમયબદ્ધ રીતે ઉકેલ લાવવામાં મદદ મળશે. પરિણામે શિક્ષકો વહીવટી પ્રશ્નોની ચિંતાથી મુક્ત થઈને વિદ્યાર્થીઓના શિક્ષણ અને તેમના ભવિષ્યના ઘડતર પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશે. વહીવટી પ્રક્રિયા શિક્ષણના માર્ગમાં અવરોધ ન બને તે માટે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં તેમણે ‘બાળકને શિક્ષણ, શિક્ષકને સન્માન અને સમાજને વિશ્વાસ'ના સંકલ્પ સાથે સૌને આગળ વધવા આહવાન કર્યું હતું.જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શીતલબેન ઓડેદરાએ શિક્ષણને રાષ્ટ્રનિર્માણનો મુખ્ય પાયો ગણાવતા જણાવ્યું હતું કે, જિલ્લાનું એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે ‘સમરસ વિદ્યા સેતુ અભિયાન'ને જનઅભિયાન બનાવવું જરૂરી છે. જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી વિનોદ પરમારે સ્વાગત પ્રવચન કરી શિક્ષણ ક્ષેત્રે સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી વિવિધ કામગીરી અને પહેલોની માહિતી આપી હતી. શિક્ષણ વિભાગના મહેશભાઇ કોડિયાતરે આભારવિધિ કરી હતી. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે ઉત્કળષ્ટ કામગીરી કરનાર સી.આર.સી. કો-ઓર્ડિનેટરો તેમજ પાંચ હાઈસ્કૂલના આચાર્યશ્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખીરીયા, મેયર શ્રી સાગરભાઈ મોદી, જિલ્લા કલેક્ટર શ્રી એસ.ડી. ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.બી. ચૌધરી, મ્યુનિસિપલ કમિશનર શ્રી ટી.સી. તીરથાણી, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ સગારકા, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી મંજુબેન ચુડાવદરા, અગ્રણી શ્રી અરસીભાઈ ખૂટી સહિતના અધિકારીઓ, કર્મચારીઓ અને શિક્ષકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
