<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th August 2026

જાફરાબાદના નાગેશ્રી ચૌત્રા માર્ગ પર ટ્રેકટર અને વાહનો વચ્ચે અકસ્માત : બે યુવકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત

ગંભીર ઈજાઓ અને વધુ પડતા લોહી વહેવાના કારણે બંને યુવાનોના સ્થળ પર જ પ્રાણપંખેરું ઉડી ગયું : અચાનક બનેલી આ ઘટનાથી મૃતકોના પરિવારજનો પર આભ તૂટી પડ્યું

અમરેલી જિલ્લાના જાફરાબાદ પંથકમાંથી એક હ્રદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. જાફરાબાદના નાગેશ્રી ચૌત્રા માર્ગ પર પૂરપાટ ઝડપે આવી રહેલા વાહનો વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં બે યુવકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ અકસ્માતે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે.

 

પ્રાપ્ત માહિતી અનુસાર, જાફરાબાદના નાગેશ્રી ચૌત્રા રોડ પર એક ટ્રેક્ટર અને બાઈક સામસામે પૂરપાટ ઝડપે આવી રહ્યા હતા. બંને વાહનોની ગતિ એટલી તીવ્ર હતી કે ચાલકો પોતાના વાહન પર કાબૂ ગુમાવી બેઠા અને ભયાનક અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક પર સવાર બંને યુવકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

 

 

આ અકસ્માતનો ભોગ બનેલા બંને યુવકોની ઓળખ મહાવીર વરુ અને શ્યામ જોગદીયા તરીકે થઈ છે. અકસ્માત બાદ સ્થાનિક લોકો તરત જ મદદે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને બચાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા, પરંતુ ગંભીર ઈજાઓ અને વધુ પડતા લોહી વહેવાના કારણે બંને યુવાનોના સ્થળ પર જ પ્રાણપંખેરું ઉડી ગયું હતું. અચાનક બનેલી આ ઘટનાથી મૃતકોના પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે.

(1:38 PM IST)