<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th August 2026

દ્વારકાધીશ મંદિરે ધ્‍વજાજી ચડાવવા સંસ્‍થાની કથિત બનાવટી પહોંચથી રૂ.૧.૦૨ લાખ મેળવ્‍યાની ફરિયાદ, આરોપી ઝડપાયો

જ્ઞાતિ સંસ્‍થાના નામે કથિત ખોટી પહોંચ બનાવી તેમાં ખોટી સહી કરી સાચી તરીકે ઉપયોગ કર્યાનો ફરિયાદમાં આરોપઃ બપોરે ગુનો નોંધાયા બાદ એ જ રાત્રે આરોપીની અટક; પો.સબ.ઇન્‍સ. નરેન્‍દ્રસિંહ ગોહિલે તપાસ સંભાળી

 

 

(વિનુભાઇ સાાણી દ્વારા) દ્વારકા, તા.૨૭: શ્રી દ્વારકાધીશ મંદિરના શિખરે ધ્‍વજાજી ચડાવવા માટે જ્ઞાતિ સંસ્‍થાના નામની કથિત બનાવટી પહોંચથી રૂ.૧.૦૨ લાખ મેળવ્‍યાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકે નોંધાઈ છે. પોલીસે ટી.વી. સ્‍ટેશન વિસ્‍તારમાં રહેતા શિવમ દિપકભાઈ ઠાકરની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે.

બરડીયા ગામના ધવલભાઈ વિનોદભાઈ દેવમુરારીની ફરિયાદ મુજબ, આરોપીએ મહિલા સાહેદને દ્વારકાધીશ મંદિરના શિખરે ધ્‍વજાજી ચડાવવાના નામે વિશ્વાસમાં લીધાં હતાં. આરોપીએ સમસ્‍ત ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ ૫૦૫ દ્વારકા સંસ્‍થાના નામની કથિત ખોટી અને બનાવટી પહોંચ બનાવી, તેમાં ખોટી સહી કરી સાચી તરીકે ઉપયોગ કર્યાનો આરોપ છે. ફરિયાદમાં જણાવ્‍યા મુજબ આરોપીએ ધ્‍વજાજીની બે પહોંચ પેટે રૂ.૫૧,૦૦૦ લેખે કુલ રૂ.૧,૦૨,૦૦૦ મેળવી આર્થિક લાભ લીધો હતો. આ રીતે સાહેદ તથા જ્ઞાતિ સંસ્‍થા સાથે કથિત વિશ્વાસઘાત અને છેતરપિંડી આચર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.

દ્વારકા પોલીસે ભારતીય ન્‍યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૧૬(૨), ૩૧૮, ૩૩૬(૨), ૩૩૬(૩), ૩૩૬(૪), ૩૩૮ અને ૩૪૦ હેઠળ ગુનો નોંધ્‍યો છે. ૨૭ ઓગસ્‍ટે બપોરે ૩:૩૦ વાગ્‍યે ગુનો નોંધાયા બાદ પોલીસે એ જ રાત્રે ૯:૧૦ વાગ્‍યે આરોપીની અટક કરી હતી. પો.સબ.ઇન્‍સ. નરેન્‍દ્રસિંહ સુરુભા ગોહિલ વધુ તપાસ ચલાવી રહ્યા છે.(તસ્‍વીરઃ દિપેશ  સામાણીઃ દ્વારકા)

(11:39 AM IST)