<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th August 2026

ભાવનગરના બોરડી ગામે ગેરકાયદે વીજ કરંટથી સિંહણનું મોત

 

(વિપુલ હિરાણી દ્વારા)  ભાવનગર તા.૨૮: ભાવનગર જિલ્‍લાના મહુવા વન્‍યજીવ રેન્‍જ હેઠળ આવતા નાના ખુટવડા-૧ રાઉન્‍ડની છાપરી બીટના બોરડી ગામે એક અરેરાટીભરી ઘટના સામે આવી છે. ગામના નવનાળા વાડી વિસ્‍તારમાં આવેલ નંદલાલ ભીખાલાલ જાનીની માલિકીની વાડીમાં ગેરકાયદેસર રીતે મુકવામાં આવેલા વીજ કરંટના કારણે અંદાજીત ૫ થી ૯ વર્ષની વયની એક માદા સિંહ (સિંહણ)નું કરુણ મૃત્‍યુ નીપજ્‍યું છે.

પ્રાથમિક તપાસ દરમિયાન વાડીમાં ફાર્મ રાખનાર બોરડી ગામના પંચાવન વર્ષીય ગોબરભાઈ દાદુભાઈ મકવાણા દ્વારા ગેરકાયદે વીજ કરંટ મૂકવામાં આવ્‍યો હોવાનું ખુસતા વન વિભાગે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાની જાણ થતાં જ ACF પાલીતાણા ડો. જે.પી. દેસાઈ, મહુવા RFO ડી.જી. ગઢવી, નાનાખુટવડા રાઉન્‍ડ ફોરેસ્‍ટર એસ.એન. વસાવા તેમજ રેપિડ એક્‍શન વનપાલ કે.યુ. ખાંભલા સહિતનો કાફલો તાત્‍કાલિક સ્‍થળ પર દોડી ગયો હતો.

ઘટનાની ગંભીરતાને ધ્‍યાને રાખી FSL અને PGVCL ની ટીમોએ પણ સ્‍થળ પર પહોંચી ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. વન વિભાગ દ્વારા માદા સિહના મૃતદેહનું ધોરણસર પંચનામું કરી તેને વધુ તપાસ અર્થે અને પોસ્‍ટમોર્ટમ માટે ગેબર એનિમલ કેર સેન્‍ટર ખાતે ખસેડવામાં આવ્‍યો છે. ગેરકાયદે વીજ કરંટ મૂકી વન્‍યજીવનો ભોગ લેનાર જવાબદાર ઈસમ સામે વન્‍યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વન વિભાગે કડક કાર્યવાહી શરૂ કરી છે.

(11:35 AM IST)