તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th August 2026
મેંદરડાના ચીરોડા પાસે કાર ઝાડમાં અથડાતાં રાજકોટ મવડીના રીનાબેન ચોવટીયાનું મોતઃ મૃત્યુઆંક ત્રણ થયો
૧૯મીએ બેસણામાંથી આવતી વખતે અકસ્માત સર્જાતા બે લોકોના મૃત્યુ થયા હતાં : ભરતભાઇ કળથરીયા અને હીનાબેન ગધેસરીયા સારવાર હેઠળઃ પરિવારજનોમાં ગમગીનીં

રાજકોટ તા. ૨૮: મેંદરડાના ચીરોડા ગામ પાસે નવ દિવસ પહેલા કાર ઝાડમાં અથડાતાં બેસણામાંથી પરત આવી રહેલા રાજકોટ અને જુનાગઢના સેમરાળાના પરિવારજનોની કાર ઝાડમાં અથડાતાં બે લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતાં. જ્યારે ત્રણને ગંભીર ઇજા થઇ હતી. જે પૈકી મવડીના એક વૃધ્ધાએ પણ દમ તોડી દેતાં મૃત્યુ આંક ત્રણ થયો છે.
જાણવા મળ્યા મુજબ ગત તા. ૧૯ના રોજ મેંદરડાના ચિરોડા ગામ પાસે સર્જાયેલા એક ગંભીર માર્ગ અકસ્માતમાં બે લોકોના કરૂણ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય ત્રણ સભ્યો ગંભીર રીતે ઘાયલ થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી રાજકોટ મવડી શીલ્પ એપાર્ટમેન્ટમાં રહેતાં રીનાબેન રમણીકભાઇ ચોવટીયા (ઉ.વ.૬૦) નામના વૃધ્ધાએ રાજકોટમાં સારવારમાં દમ તોડી દેતાં મૃત્યુઆંક ત્રણ થયો છે.
આ બનાવમાં જુનાગઢ તાલુકાના સેમરાળા ગામના રજનીકાંતભાઈ વિઠ્ઠલભાઈ ચોવટીયાએ મેંદરડા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, પરિવારના સભ્યો ઝીંઝુડા ગામે શારદાબેન ચીખલીયાના બેસણામાં હાજરી આપીને જીજે૦૩એમઇ-૧૯૪૬ નંબરની કારમાં પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન મેંદરડા નજીક આવેલ ચીરોડા-ચોરવાડ રોડ પર ગાડી ચાલક ભરતભાઈ ઠાકરસીભાઈ કળથરીયા (ઉ.વ.૬૦)એ કાર પરનો સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતાં કાર રોડ નીચે ઉતરી ગઈ હતી અને રસ્તા પરના ઝાડ સાથે જોરદાર ધડાકાભેર અથડાઈ હતી.
આ અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટનાસ્થળે જ રમણીકભાઈ ગોવિંદભાઈ ચોવટીયા (ઉ.વ.૬૫)નું મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા કાંતાબેન ભરતભાઈ કળથરીયા, રીનાબેન રમણીકભાઈ, હિનાબેન મહેશભાઈ અને ચાલક ભરતભાઈને તાત્કાલિક મેંદરડા સરકારી દવાખાને ખસેડાયા હતા. વધુ ગંભીર હાલત જણાતાં જૂનાગઢની એક હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન કાંતાબેનનું પણ મોત નીપજ્યું હતું.
અન્ય ઇજાગ્રસ્તોમાં ભરતભાઇ, હીનાબેન અને રીનાબેનને રાજકોટ ખસેડાયા હતાં. અહિ ૬૦ વર્ષિય રીનાબેન ચોવટીયાએ પણ દમ તોડી દીધો હતો. બનાવની જાણ હોસ્પિટલ મારફત મેંદરડા પોલીસને કરવામાં આવી હતી. મૃત્યુ પામનારને સંતાનમાં બે પુત્ર છે.
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
