<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

30 ઓગસ્ટે જામનગરમાં NEET-2026 પરીક્ષા: પરીક્ષા કેન્દ્રોની આસપાસ 100 મીટરમાં પ્રતિબંધાત્મક આદેશો લાગુ, 4થી વધુ વ્યક્તિઓના એકઠા થવા પર પ્રતિબંધ

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વિમલ ચૌધરીએ જાહેરનામું બહાર પાડ્યું : પરીક્ષા કેન્દ્રો પાસે ઝેરોક્ષની દુકાનો બંધ રાખવા આદેશ, મોબાઇલ, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ અને લાઉડ સ્પીકર પર પણ પ્રતિબંધ, ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૭ : નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ દ્વારા આગામી 30 ઓગસ્ટના રોજ જામનગર ખાતે NEET-2026ની પરીક્ષા યોજાનાર છે. આ પરીક્ષાને શાંતિપૂર્ણ અને ગેરરીતિમુક્ત વાતાવરણમાં યોજવા માટે તંત્ર દ્વારા કડક વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે.

જામનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વિમલ ચૌધરીએ પરીક્ષા અન્વયે પ્રતિબંધક આદેશો લાગુ કર્યા છે. જાહેરનામા મુજબ, તમામ પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના 100 મીટરના વિસ્તારની હદમાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓના એકઠા થવા કે ગેરકાયદેસર મંડળીઓ રચવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

આ ઉપરાંત તા.30 ઓગસ્ટના રોજ સવારે 8.30 થી બપોરના 1.00 વાગ્યા સુધી પરીક્ષા કેન્દ્રોની આસપાસ આવેલા કોપીયર મશીનો દ્વારા કોપીનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ તથા અંગત ઉપયોગ માટે વપરાશ કરતા (સરકારી/અર્ધસરકારી કે જાહેર સાહસો સિવાયના) કોપીયર મશીનધારકો માટે તેમના કોપીયર મશીનો દ્વારા પરીક્ષા વિષયક પત્રો તથા અન્ય કોઈ દસ્તાવેજી કાગળોની નકલો કાઢવા પર પણ પ્રતિબંધ રહેશે.

પરીક્ષા કેન્દ્રોમાં મોબાઇલ ફોન, ઇલેક્ટ્રોનિક સાધનો, કેલ્ક્યુલેટર, ઇલેક્ટ્રોનિક વોચ કે અન્ય અનધિકૃત સાહિત્ય સાથે પ્રવેશ કરવા પર અને લાઉડ સ્પીકર વગાડવા પર પણ પાબંદી ફરમાવવામાં આવી છે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે, તેમ જાહેરનામામાં જણાવાયું છે.

(2:52 PM IST)