News of Monday, 24th August 2026
જામનગર જિલ્લામાં ખેડૂતો હવે મોબાઈલ એપ મારફત ખાતરનું આગોતરું બુકિંગ કરાવી શકશે
ખાતર વિતરણ પ્રક્રિયામાં પારદર્શિતા વધારવા 'FSAS' સિસ્ટમ અમલી કરાઈ:ખેડૂતોને નોંધણી કરાવી સુવિધાનો મહત્તમ લાભ લેવા નાયબ ખેતી નિયામકની અપીલ

જામનગર : ભારત સરકાર દ્વારા ખેડૂતોને સબસીડાઈઝ્ડ ખાતર સરળતાથી, પારદર્શક રીતે તેમજ સમયસર ઉપલબ્ધ થાય તે હેતુથી FSAS અમલીકરણમાં મુકવામાં આવી છે. આ ડિજિટલ સિસ્ટમ અંતર્ગત ખેડૂતો ખાતર વિક્રેતા કે સહકારી મંડળી ખાતેથી ખાતર ખરીદતા પહેલાં જ પોતાના મોબાઈલ મારફતે FFS (Framework for Fertilizer Sale)નએપ્લીકેશન પરથી ખાતરનું અગાઉથી બુકિંગ કરી શકશે.આ પ્રિ-બુકિંગ સુવિધાના કારણે જથ્થાની ઉપલબ્ધતા અંગેની પૂર્વ માહિતી મળી રહેશે અને ખાતર મેળવવાની સમગ્ર પ્રક્રિયા વધુ સુવ્યવસ્થિત, સુગમ અને પારદર્શક બનશે.
આગામી ટૂંક સમયમાં જ જામનગર જિલ્લામાં શરૂ થનારી આ નવીન વ્યવસ્થાથી ખાતર વિતરણમાં ભીડ મુક્ત વાતાવરણ નિર્માણ થશે અને ખેડૂતોનો સમય પણ બચશે. આથી જિલ્લાના તમામ ખેડૂતમિત્રોને અનુરોધ કરવામાં આવે છે કે તેઓ પોતાની ફાર્મર રજીસ્ટ્રી કરાવી આ નવી એપ્લિકેશન મારફત પ્રિ-બુકિંગ સુવિધાનો ઉપયોગ કરવા માહિતગાર રહે અને તેનો વધુમાં વધુ લાભ મેળવે. ખેડૂતોને પ્રક્રિયામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે જિલ્લાના ખાતર વિક્રેતાઓ, સહકારી મંડળીઓ તથા ખેતીવાડી વિભાગ દ્વારા જરૂરી માર્ગદર્શન અને સહાયતા પૂરી પાડવામાં આવશે. આ અંગે વધુ માહિતી માટે નજીકની ખેતીવાડી કચેરીનો સંપર્ક સાધવા નાયબ ખેતી નિયામક (વિસ્તરણ), જામનગરની યાદીમાં જણાવાયું છે
(6:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
