<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd August 2026

જામનગર જીલ્લાના કાલાવડ પંથકમાં નકલી દૂધનું કારસ્તાન ઝડપાયું : રાજકોટ રેન્જ ટીમે 7150 લીટર શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપી પાડ્યું : જુઓ વિડીયો

હરીપર ગામે 6 ધંધાર્થીઓના ઘર અને ડેરીઓ પર દરોડા, 120 કિલો વનસ્પતિ ઘી અને 15 કિલો દૂધ બનાવવાનો પાવડર કબ્જે કરી ફૂડ સેફટી વિભાગે નાશ કર્યો

( સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૨૩ : લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ભેળસેળિયાઓ સામે રાજકોટ રેન્જ પોલીસે લાલ આંખ કરી છે. જામનગર જિલ્લાના કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારના હરીપર ગામેથી શંકાસ્પદ ભેળસેળ યુક્ત દૂધ બનાવતા 6 ઇસમોના ઘર તથા દૂધની ડેરી ઉપર રેઇડ કરી શંકાસ્પદ ભેળસેળ યુક્ત દૂધ લીટર 7150, વનસ્પતી ઘી 120 કીલો તથા દૂધ બનાવવાનો પાવડર 15 કીલો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી રાજકોટ રેન્જ ટીમ.

 

નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) રાજકોટ વિભાગ રાજકોટનાઓ દ્વારા રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં અમુક ધંધાર્થીઓ દ્વારા પોતાના આર્થિક ફાયદા સારું લોકોના સ્વાસ્થ્યને નુકશાન થાય તેવી રોજીંદા જીવનમાં ઉપયોગમાં લેવાતી ચીજ-વસ્તુઓની બનાવટમાં ભેળસેળ કરી વેચાણ કરતા ધંધાર્થીઓને શોધી કાઢી તેઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના કરેલ હોય જે અન્વયે રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર અપૂર્વ પટેલ નાઓના માર્ગદર્શન મુજબ રાજકોટ રેન્જના પો.સ.ઇ. પી.એન.મોરી, બી.સી.મીયાત્રા, સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફ દ્વારા આવા ધંધાર્થીઓને શોધી કાઢવા માટે હ્યુમનસોર્સથી જરૂરી માહિતી મેળવી તેનું ટેકનીકલ એનાલીસીસ તથા વર્કઆઉટ કરી રહેલ હતા.

 

દરમ્યાન મળેલ હકિકત આધારે પો.સ.ઇ. સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફના સંદિપસિંહ ઝાલા, કાસમભાઇ બ્લોચ, વનરાજભાઇ મકવાણા, મીતેશભાઇ પટેલ, કમલેશભાઇ રબારી, વિપુલભાઇ મોરી, નવલદાન ગઢવી, પરેશભાઇ સાંજવા તથા ડા. ધર્મેન્દ્રસિંહ જાડેજા નાઓએ જામનગર જિલ્લાના કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારના હરીપર ગામે રહેતા શંકાસ્પદ દૂધના ધંધાર્થીઓ (1) મેરૂભાઇ સન/ઓફ વીરાભાઇ બાવનભાઇ ભારાઇ રહે. રબારીપાળો ગામ-હરીપર તા. કાલાવડ (2) અરજણભાઇ સન/ઓફ હમીરભાઇ ઉકાભાઇ હુણ રહે. ગામ-હરીપર તા. કાલાવડ (3) બધાભાઇ સન/ઓફ બાવનભાઇ રામભાઇ ચાવડા રહે. ગામ-હરીપર તા. કાલાવડ (4) મેરૂભાઇ સન/ઓફ બધાભાઇ કરશનભાઇ વંશ રહે. રબારીપાળો ગામ-હરીપર તા. કાલાવડ (5) રાણાભાઇ સન/ઓફ બટુકભાઇ નાથાભાઇ ભારાઇ રહે. રબારીપાળો ગામ-હરીપર તા. કાલાવડ (6) બોધાભાઇ સન/ઓફ નાથાભાઇ માયાભાઇ વંશ રહે. રબારીપાળો ગામ-હરીપર તા. કાલાવડ નાઓના ઘરે રેઇડ કરી રહેણાંક મકાન તથા પાસે આવેલ અલગ-અલગ ડેરીઓમાંથી શંકાસ્પદ ભેળસેળ યુક્ત દૂધ બનાવવાનું ચાલુ હોય શંકાસ્પદ દૂધ ભેગુ કરી કુલ જથ્થો દૂધ આશરે લીટર 7150, વનસ્પતિ ઘી 120 કીલો તથા દૂધ બનાવવાનો પાવડર 15 કીલો મળી આવતા ફુડ સેફટી વિભાગના અધિકારીઓને ટેલીફોનીક જાણ કરી સ્થળ પર બોલાવતા ફુડ સેફટી ઓફીસર (એફ.એસ.ઓ.) દ્વારા શંકાસ્પદ દૂધના જરૂરી સેમ્પલો લઇ તેઓની કચેરીનું સીલ કરી કબ્જે કરેલ અને મળી આવેલ શંકાસ્પદ ભેળસેળ યુક્ત બનાવટી દૂધ તથા વેજીટેબલ ઘી તથા દૂધ બનાવવાનો પાવડર માનવ સ્વાસ્થ્ય તથા પર્યાવરણને નુકશાન ન થાય તેવી જગ્યાએ ફુડ સેફટી ઓફીસર દ્વારા નાશ કરવામાં આવેલ છે તેમજ દૂધના ધંધાર્થીઓ વિરુદ્ધ ફુડ સેફટી ઓફીસર દ્વારા આગળની કાયદેસરની ઘટીત કાર્યવાહી કરવામાં આવેલ છે.

(1:25 PM IST)