<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

દવા લઇને જઇ રહેલું ઢુવાનું દંપતિ ખંડીતઃ ટ્રકે બાઇકને ઉલાળી દેતાં પત્‍નિનું મોત

પતિનો ઇજા સાથે બચાવઃ ૨૧ વર્ષિય જ્‍યોત્‍સનાબેને રાજકોટમાં દમ તોડયોઃ મુળ ઓરિસ્‍સાની યુવતિન એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતાં

રાજકોટ તા. ૨૨: વાંકાનેરના ઢુવા નજીક ટ્રકે બાઇકને ઠોકરે ચડાવતાં બાઇકચાલક અને પાછળ બેઠેલા તેના પત્‍નિ  ફંગોળાઇ ગયા હતાં. જેમાં પત્‍નિને ગંભીર ઇજા થતાં સારવાર દરમિયાન રાજકોટમાં મોત થયું છે. પતિ-પત્‍નિ દવા લઇને વાંકાનેરથી ઢુવા ઘરે જઇ રહ્યા હતાં ત્‍યારે આ બનાવ બન્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ વાંકાનેરના અમરધામ ચોકડી નજીક ઢુવા ખાતે ક્‍યોરા ટાઇલ્‍સ કંપની નજીક રહેતો દુર્ગાપ્રસાદ સોરેન (ઉ.વ.૨૪) પરમ દિવસે પોતાને અને પત્‍નિને તાવ આવતો હોઇ કળતર થતી હોઇ બાઇક પર પત્‍નિ જ્‍યોત્‍સના (ઉ.વ.૨૧)ને બેસાડીને વાંકાનેર ગયો હતો. બંનએ દવા લીધી હતી અને પરત ઢુવા જઇ રહ્યા હતાં ત્‍યારે ઢુવા નજીક ટ્રકની ઠોકરે બાઇક ચડી જતાં બંને રોડ પર ફેંકાઇ ગયા હતાં.

જેમાં દુર્ગાપ્રસાદનો ઇજા સાથે બચાવ થયો હતો. જ્‍યારે તેના પત્‍નિ જ્‍યોત્‍સનને ગંભીર ઇજા થતાં વાંકાનેર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. અહિ તેનું મૃત્‍યુ થતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર જ્‍યોત્‍સનાના લગ્ન એક વર્ષ પહેલા જ થયા હતાં. પતિ કંપનીમાં નોકરી કરે છે. મૃતદેહને અંતિમવિધી માટે વતન ઓરીસ્‍સા લઇ જવાયો હતો

(1:31 PM IST)