<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

કચ્છના સરહદી અબડાસા વિસ્તારમાં વરસાદ ખેંચાતા ખેતી અને પશુપાલન સામે ગંભીર સંકટ: અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી સમગ્ર વિસ્તારને તાત્કાલિક અછતગ્રસ્ત જાહેર કરીને પશુઓના રક્ષણ માટે કેટલ કેમ્પો તાત્કાલિક શરૂ કરવા જોરદાર માંગ

ભારત-પાક સરહદે આવેલા અબડાસા, લખપત અને નખત્રાણા તાલુકામાં ચોમાસાના બે મહિના વીત્યા છતાં નહિવત વરસાદથી વાવેતર નિષ્ફળ જવાની ભીતિ અને ઘાસચારા-પાણીની ભારે અછત વચ્ચે ધારાસભ્યએ મહેસૂલ મંત્રી સંજયસિંહ મહીડા, પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કચ્છ કલેક્ટરને પણ લેખિત રજૂઆત કરી : ખેડૂતો અને પશુપાલકોને તાત્કાલિક રાહત આપવા માંગ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૨ : ચ્છ જિલ્લાના સૌથી છેવાડાના અને ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદે આવેલા અબડાસા વિધાનસભા વિસ્તારમાં ચોમાસુ નિષ્ફળ જવાના કારણે ખેડૂતો અને પશુપાલકોની હાલત અત્યંત દયનીય બની છે, ત્યારે હવે ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ  ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી સમગ્ર વિસ્તારને તાત્કાલિક અછતગ્રસ્ત જાહેર કરીને પશુઓના રક્ષણ માટે કેટલ કેમ્પો તાત્કાલિક શરૂ કરવા જોરદાર માંગ કરી છે.

          અબડાસા વિધાનસભા (1-અબડાસા)ના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ એમ. જાડેજાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી સંજયસિંહ મહીડા* ને અલગ-અલગ પત્ર લખીને તાત્કાલિક પગલા લેવા વિનંતી કરવામાં આવી છે.

ધારાસભ્યએ પોતાના પત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે અબડાસા વિધાનસભા વિસ્તાર ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદે આવેલો અતિ પછાત અને ભૌગોલિક રીતે વિશિષ્ટ વિસ્તાર છે. આ વિસ્તારના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે, જે મોટાભાગે ચોમાસાના વરસાદ ઉપર નિર્ભર છે."

"હાલ ચોમાસાની ઋતુ દરમિયાન અબડાસા વિધાનસભા વિસ્તારના અબડાસા, લખપત તથા નખત્રાણા તાલુકાઓમાં ચોમાસાના બે મહિના જેટલો સમય વીતી જવા છતાં પૂરતો વરસાદ થયેલ નથી. જેના પરિણામે ખેડૂતો દ્વારા અગાઉ કરવામાં આવેલ વાવેતરના પાકો પર ગંભીર અસર પડી રહી છે તથા પાકને નુકસાન થવાની સ્થિતિ ઉભી થઈ છે."

વરસાદના અભાવે સીમ વિસ્તારમાં કુદરતી ઘાસચારો અને પીવાનું પાણી પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન થતાં પશુપાલકો માટે પશુધનને નિભાવવું અત્યંત મુશ્કેલ બની રહ્યું છે. અનેક વિસ્તારોમાં પશુઓ માટે ઘાસચારાની અછત સર્જાઈ રહી છે અને આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ ગંભીર બનવાની સંભાવના છે.

આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ સરકાર સમક્ષ બે મુખ્ય માંગણીઓ મૂકી છે. અબડાસા, લખપત અને નખત્રાણા તાલુકાઓની પરિસ્થિતિનું તાત્કાલિક સર્વેક્ષણ કરાવી, જરૂરી કાર્યવાહી કરીને અછતગ્રસ્ત વિસ્તાર જાહેર કરવામાં આવે.

          પશુપાલકોના પશુધનને પૂરતો ઘાસચારો, પાણી તથા અન્ય જરૂરી સુવિધાઓ મળી રહે તે માટે તાત્કાલિક ધોરણે કેટલ કેમ્પો (ઢોર માટેના કેમ્પ) શરૂ કરવામાં આવે તથા જરૂરિયાત મુજબ ઘાસચારો અને પશુઓ માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવે.

અંતમાં તેમણે જણાવ્યું છે કે, "આ બાબતે સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી ખેડૂતો અને પશુપાલકોને આ મુશ્કેલ પરિસ્થિતિમાં રાહત મળે તે માટે યોગ્ય અને સમયસર કાર્યવાહી કરવામાં આવે તેવી અપેક્ષા છે."

આ અંગેની યોગ્ય કાર્યવાહી કરવા માટે કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રી  કાંતિભાઈ અમૃતિયા અને કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસિયાને રજૂઆત કરવામાં આવી છે.

(12:17 PM IST)