તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd August 2026
દેવભૂમિ દ્વારકામાં કોંગ્રેસનો અનોખો વિરોધઃ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગઃ કળષિમંત્રી જીતુ વાઘાણીના નિવેદન સામે દ્વારકાધીશનું પૂજન
માત્ર 6% વરસાદ નોંધાતા 94%ની ઘટ, સૌની યોજનાથી ડેમો ભરવાની, પાક ધિરાણ અને વીજબિલ માફી સહિત ૮ મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર : પાલ આંબલિયાની ચીમકીં

(કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા.૨૨: દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે હજારો ખેડૂતોએ દ્વારકાધીશની છબી રાખી પૂજા અર્ચન કરી હતી.
જિલ્લા કોંગ્રેસપ્રમુખ પાલ આંબલિયાની આગેવાનીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં કળષિમંત્રી જીતુભાઈ વાઘાણીને આડેહાથે લેવામાં આવ્યા હતા.ગઈકાલે જીતુ વાઘાણીએ કરેલા નિવેદન પર સવાલ ઉઠાવતા પાલ આંબલિયાએ કહ્યું કે, ‘‘બધું જ જો દ્વારકાધીશ પર છોડી દેવું હોય તો કળષિમંત્રી પદ પરથી રાજીનામું આપી દયો. ઘાસચારા વિતરણ કેન્દ્રો સરકાર ચાલુ કરે, દ્વારકાધીશ નહીં, ખેડૂતોનું પાક ધિરાણ સરકાર માફ કરે, દ્વારકાધીશ નહીં.''
કોંગ્રેસના જણાવ્યા મુજબ દ્વારકા જિલ્લામાં અત્યાર સુધીમાં માત્ર 6.41% વરસાદ નોંધાયો છે, એટલે કે 94% ઘટ છે.ભાણવડ તાલુકો - 9.75%,ખંભાળીયા તાલુકો - 9.54%,કલ્યાણપુર તાલુકો - 3.41%,દ્વારકા તાલુકો - 2.28%. જ્યારે ૧ ઇંચ પણ એક સાથે વરસાદ નોંધાયો નથી. કેન્દ્ર સરકારના દુષ્કાળ મેન્યુઅલ ૨૦૧૬ મુજબ 60% થી વધારે ઘટ હોય તો અતિ ગંભીર સ્થિતિ ગણાય, તેથી જિલ્લાને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો જોઈએ.
જિલ્લાના સાની, સિંહણ, સોરઠી, સેઢા ભાળથરી, સિંધણી, ગઢકી, ઘી, વર્તુ, મેધાક્રિક સહિતના ડેમો ૨૦૧૯થી સૌની યોજનાથી ભરવાની યોજના છે, પરંતુ ૨૦૧૯થી ૨૦૨૬ સુધીમાં કયારેય ડેમો ભરાયા નથી. જો અત્યારે ડેમો નહિ ભરાય તો સૌની યોજના શોભાના ગાંઠિયા સમાન છે, એમ કોંગ્રેસે જણાવ્યું છે.
જિલ્લા કલેક્ટરને ૮ માંગ સાથે આવેદન આપ્યું છે.મોટી સંખ્યામાં ખેડૂતો સાથે જિલ્લા કલેક્ટરશ્રીને લેખિત આવેદનપત્ર આપી મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરાઈ છે.દેવભૂમિ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો,જિલ્લાના તમામ ડેમો સૌની યોજનાથી તાત્કાલિક ભરવા,ખેડૂતોનું ચાલુ વર્ષનું પાક ધિરાણ માફ કરવું,૭ કિમી ત્રિજ્યામાં ઘાસચારા વિતરણ કેન્દ્રો ખોલવા,જિલ્લામાં પાંજરાપોળ ખોલવી,ખેડૂતોનું ચાલુ વર્ષનું ફિક્સ વીજબિલ સંપૂર્ણ માફ કરવું,ખેડૂતો, ખેત મજૂરો માટે રાહત કામો ચાલુ કરવા,ગામડા અને નગરપાલિકાઓમાં નિયમિત શુદ્ધ પીવાનું પાણી આપવું. ૮ દિવસમાં માંગ ન સ્વીકારાય તો ગાંધી ચીંધ્યા માર્ગે જન આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
(12:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
