<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th August 2026

ઉમરાળા તાલુકાના ધોળાવીશી ગામમાં આધુનિક AC રીડિંગ લાઈબ્રેરીનું લોકાર્પણ : સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે ગ્રામ પંચાયતની અનોખી પહેલ

કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના હસ્તે ઉદ્ઘાટન કરાયું : શાંતિપૂર્ણ અને સુવિધાયુક્ત વાતાવરણમાં અભ્યાસથી ગામમાં શિક્ષણનો માહોલ વધુ મજબૂત બનશે

ધોળાવીશી: સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ગામના યુવાનોને ઘરઆંગણે જ ઉત્તમ અભ્યાસનું વાતાવરણ મળી રહે તે માટે ઉમરાળા તાલુકાના ધોળાવીશી ગ્રામ પંચાયત દ્વારા એક પ્રશંસનીય અને અનોખી પહેલ કરવામાં આવી છે. ધોળાવીશી ગ્રામ પંચાયત ખાતે નવનિર્મિત આધુનિક AC રીડિંગ લાઈબ્રેરીનું ૧૭ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ બપોરે ૪:૦૦ કલાકે સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં શુભ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

 

આ લાઈબ્રેરીનું ઉદ્ઘાટન સાંસદ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ GIDC નિયામક પેથાભાઈ ડી. આહીરની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. આ ઉપરાંત ઉમરાળા તાલુકા ભાજપ પ્રમુખ રોહિતભાઈ બગદરીયા, ઉમરાળા તાલુકા પૂર્વ ભાજપ પ્રમુખ પ્રતાપભાઈ આહીર, જિલ્લા પંચાયતના પ્રતિનિધિ અશોકભાઈ આહીર તથા ઉમરાળા તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ સુજાન સિંહ ગોહિલ સહિત ભાજપના વિવિધ આગેવાનો અને કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

 

ગામમાં શિક્ષણના વાતાવરણને મળશે નવો વેગ:

ધોળાવીશી ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલી આ પહેલને સમગ્ર ઉમરાળા તાલુકામાં એક આગવી અને અનુકરણીય પહેલ તરીકે જોવામાં આવી રહી છે. લાઈબ્રેરીમાં વાતાનુકૂલિત (AC) સહિતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાતાં યુવાનોને શાંતિપૂર્ણ અને અનુકૂળ વાતાવરણમાં અભ્યાસ કરવાની તક મળશે.

 

ગ્રામ પંચાયતના આ નિર્ણયથી ગામમાં શિક્ષણનું સ્તર વધુ ઊંચું આવશે તેમજ સરકારી નોકરી અને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનોને સફળતા મેળવવા માટે યોગ્ય પ્રોત્સાહન અને માહોલ મળી રહેશે. (અહેવાલ - મુકેશ પંડિત)

(11:21 PM IST)