તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 17th August 2026
પતિએ નિંદ્રાધીન પત્નિને ઘણ ઝીંકી પતાવી દીધી
મોરબીના રફાળીયા પાસે પેપર મીલમાં મોડી રાતે હત્યાની ઘટનાની સનસનાટી જામગનર પંથકમાં ભાઇ સાથે રહેતો ભુરો કટારા બે દિવસથી પત્નિ-સંતાનો રહે છે ત્યાં મોરબી આવી દારૂ પી ખેલ કરતો હતોઃ ઝઘડાનો ખાર રાખી રાતે હત્યા કરી ભાગી ગયોઃ મુળ એમપીના શાંતાબેન કટારાનું રાજકોટમાં સારવારમાં મોત ઘટનાથી અજાણ દિકરાએ પહેલા પોલીસને એવું કહ્યું કે-કારખાનામાં કોલસાની ચક્કીમાંથી પથ્થર ઉડીને લાગી ગયોઃ દિકરીએ સત્ય હકિકત જણાવી

રાજકોટ તા. ૧૭: મોરબી તાબેના રાફળીયા પાસે આવેલી પેપર મીલમાં મજૂરી કરતાં અને સંતાનો સાથે રહેતાં મુળ મધ્યપ્રદશેના મહિલાની તેના પતિએ રાતે ભરઉંઘમાં ઘણો ઘા માથામાં ફટકારી હત્યા કરી નાંખતા સનસનાટી મચી ગઇ છે. જામનગર પંથકમાં ભાઇ સાથે વાડીમાં રહેતો મુળ એમપીનો શખ્સ બે દિવસથી પત્નિ, સંતાનો જ્યાં રહે છે ત્યાં રફાળીયા આવ્યો હતો અને દારૂ પી પત્નિ સાથે ઝઘડા કરતો હતો. ગત રાતે પણ ઝઘડો થયો હતો. આ પછી મહિલા અને તેની દિકરી ઉંઘી ગયા ત્યારે તેણે સુતેલી પત્નિના માથામાં ઘણ ફટકારી દીધો હતો. દેકારો મચી જતાં તે ભાગી ગયો હતો. મહિલાને ગંભીર હાલતમાં રાજકોટ ખસેડાઇ હતી. પરંતુ અહિ મૃત્યુ થતાં કલ્પાંત સર્જાયો હતો. મોરબી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.
જાણવા મળ્યા મુજબ મોરબીના રફાળીાય નજીક આદ્યશક્તિ પેપર મીલ નામના કારખાનામં રહી મજૂરી કરતાં શાંતાબેન ભુરાભાઇ કટારા (ઉ.વ.૪૫)ને રાતે માથામાં ગંભીર ઇજા થતાં સારવાર માટે ગંભીર હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તેના દિકરા વિનોદભાઇ સહિતે ખસેડયા હતાં. જો કે અહિ ટુંકી સારવાર બાદ તેણીનું મોત થયું હતું. પોલીસ ચોકીના સ્ટાફની પ્રાથમિક પુછતાછમાં દિકરા વિનોદભાઇએ કહ્યું હતું કે રાતે કારખાનામાં કોલસાની ચક્કીમાં કામ કરતી વખતે તેના માતાને ચક્કીમાંથી પથ્થર ઉડીને લાગી જતાં તેને ઇજા થઇ હતી.
જો કે સવારે મૃતકના દિકરીએ આ ઘટના પથ્થરથી ઇજાની નહિ પણ હત્યાની છે. તેણીએ કહ્યું હતું કે તેના માતા શાંતાબેનને પિતા ભુરાભાઇ બુધીયાભાઇએ ઘણનો ઘા મારી દીધો હતો. આ પછી પુત્ર વિનોદભાઇને સાચી ઘટનાની જાણ થઇ હતી. તેણે કહ્યું હતું કે અમે ત્રણ બહેનો અને બે ભાઇ છીએ. મારા પિતા ભુરાભાઇ કટારા હાલ જામનગર પાસે તેના મોટા ભાઇ સાથે વાડીમાં રહી મજૂરી કરતાં હતાં. હું અને મારા ભાઇ-બહેનો, માતા શાંતાબેન રફાળીયા કારખાનામં રહી મજૂરી કરતાં હતાં. રાતે મારા માતા, બહેન કારખાને જ સુઇ જતાં હતાં અને અમે નજીકમાં રૂમે સુવા જતાં હતાં. બે દિવસથી મારા પિતા ભુરાભાઇ જામનગરથી રફાળીય આવ્યા હતાં અને તેને દારૂ પીવાની આદત હોઇ પીને મારા માતા શાંતાબેન સાથે સતત ઝઘડા કરતાં હતાં. રાતે પણ તેણે ઝઘડો કર્યો હતો. એ પછી મારા માતા, બહેન સુઇ ગયા ત્યારે રાતે બારેક વાગ્યે ભરઉંઘમાં જ તેણે મારા માતાને ઘણનો ઘા મારી દીધો હતો અને ભાગી ગયેલ. સારવાર દરમિયાન મારા માતાનું રાજકોટમાં મૃત્યુ થયું છે. તેમ વધુમાં વિનોદભાઇ કટારાએ કહ્યું હતું. મોરબી તાલુકા પોલીસે ખરેખર શું બન્યું? તેની તપાસ શરૂ કરી છે.
(2:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
