<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th August 2026

ઝાપટા યથાવતઃ મેઘરાજા મન મૂકીને ન વરસતા ખેડૂતો મુંઝવણમાં

દરરોજ વાદળા છવાય છે પરંતુ વરસાદ વરસતો નથીઃ ધુપ-છાંવ સાથે પવનના સૂસવાટા

રાજકોટ તા. ૧૭ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઝાપટા યથાવત છે. મેઘરાજા મન મૂકીને વરસતા ન હોવાથી ખેડૂતો મુંઝવણમાં મુકાયા છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ :.  ચોમાસાના પોણા બે મહિના પૂરા થઈ જવા છતાં હજુ ચોમાસુ જામ્‍યું નથી. આ વર્ષે જુનાગઢ જિલ્લામાં ચોમાસુ મોડુ શરૂ થયું હતું. ૧લી જુલાઈથી ૩ દિવસ મેઘરાજાએ જમાવટ કરી હતી. પરંતુ આ પછી મેઘાએ સંતાકૂકડી રમવાનું શરૂ કરી દેતા પરિસ્‍થિતિ વધુ વિકટ બની ગઈ છે.

 સમગ્ર જિલ્લામાં અત્‍યાર સુધીમાં કુલ ૫૮૦૧  મીમી વરસાદ નોંધાયો છે, જે મોસમની સરેરાશના ૫૫.૫૧ ટકા છે. આજે સવારે ૬ થી ૮ વાગ્‍યા દરમિયાન માળિયા-હાટીના તાલુકામાં ૧ મીમી વરસાદ નોંધાયો છે, જ્‍યારે અન્‍ય તાલુકાઓમાં જોરદાર મેઘાવી માહોલ વચ્‍ચે મેઘવિરામ રહ્યો છે.

 જુનાગઢ જિલ્લામાં  સૌથી વધુ વરસાદ માંગરોળ તાલુકામાં સૌથી વધુ ૧૦૭૩ મીમી (૧૧૦.૦૫ ટકા ) વરસાદ નોંધાયો છે.

જ્‍યારે  અન્‍ય તાલુકાઓ માળિયા-હાટીનામાં ૮૮૪ મીમી (૭૭.૮૯ ટકા ), કેશોદમાં ૮૬૬ મીમી (૮૬.૭૭ ટકા  ), મેંદરડામાં ૬૩૩ મીમી (૫૯.૪૯ ટકા ) અને ભેસાણમાં ૪૦૭ મીમી (૫૧ ટકા ) વરસાદ થયો છે.

જ્‍યારે  ઓછો વરસાદ માણાવદરમાં ૪૫૨ મીમી (૪૫.૯૫ ટકા ), વિસાવદરમાં ૪૩૬ મીમી (૩૪.૨૦ ટકા ), જૂનાગઢ ગ્રામ્‍ય અને શહેરમાં ૩૫૭ મીમી (૩૩.૧૨ ટકા ) તેમજ વંથલીમાં ૩૪૬ મીમી (૩૧.૮૩ ટકા ) વરસાદ નોંધાયો છે.

 આ ઉપરાંત ગિરનાર વિસ્‍તારમાં મોસમનો કુલ ૬૪૫ મીમી (૨૬.૫૪ ટકા ) વરસાદ નોંધાયો છે.

જુનાગઢ જીલ્લાનાં વંથલીમાં ૧, જુનાગઢ - માંગરોળમાં ૩ મેંદરડા-કેશોદમાં ૪, માળીયા હાટીનામાં પ મી. મી. વરસાદ ઝાપટારૂપે પડયો છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન રપ ડીગ્રી, મહત્તમ ૩૧, ભેજ ૮૩ ટકા, અને પવનની ઝડપ ૮.૮ કિ. મી. રહી હતી.

જામનગરમાં ૧ મી. મી. જામજોધપુરમાં પ મી. મી. વરસાદ પડયો છે.

કેશોદ

(સંજય દેવાણી દ્વારા) કેશોદ : કેશોદ વિસ્‍તારમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદના અભાવ વચ્‍ચે વાદળો જોવા મળેલ છે.

વાતાવરણમાં ભારે બફારો જોવા મળેલ છે. વરસાદની સંભાવના વચ્‍ચે પણ મેઘરાજા મન મૂકીને વરસતા નથી. છાસવારે કયાંક કયાંક માત્ર છૂટો છવાયો સામાન્‍ય વરસાદ વરસી જાય છે.

(12:04 PM IST)