<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th August 2026

જાળિયાના શિવકુંજ આશ્રમમાં શ્રાવણ માસ દરમિયાન ધાર્મિક-સામાજિક ઉત્સવોનું ભવ્ય આયોજન : યજ્ઞો અને મહારુદ્ર અભિષેક યોજાશે

શ્રી વિશ્વાનંદ માતાજીના નેતૃત્વમાં શ્રાવણ સુદ ૧ થી અમાસ સુધી વિવિધ મહાયજ્ઞો, વૃક્ષારોપણ, સત્સંગ અને મહાપ્રસાદના થશે કાર્યક્રમો

જાળિયા: ગોહિલવાડના ગૌરવરૂપ શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે પવિત્ર સનાતન શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક અને સામાજિક આયોજનો હાથ ધરવામાં આવ્યા છે. શ્રી વિશ્વાનંદ માતાજીના નેતૃત્વ હેઠળ અને સેવક પરિવારના સહયોગથી શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભૂદેવો અને ભાવિક યજમાનો દ્વારા વિવિધ મહાયજ્ઞો સહિત ધાર્મિક અને સામાજિક ઉપક્રમો યોજાશે.

 

શ્રાવણ માસ દરમિયાન આશ્રમ ખાતે શ્રી ગણેશ યજ્ઞ, શ્રી વિષ્ણુ યજ્ઞ, શ્રી નવચંડી યજ્ઞ, શ્રી ભૈરવ યજ્ઞ અને શ્રી મહારુદ્ર યજ્ઞ સહિત મહારુદ્ર અભિષેકનું આયોજન કરવામાં આવ્યું છે. આ યજ્ઞોનો પ્રારંભ શ્રાવણ સુદ ૧ ને ગુરુવાર, તા. ૧૩ ઓગસ્ટના રોજ સવારે થશે, જ્યારે તેની પૂર્ણાહુતિ શ્રાવણ વદ અમાવસ્યાને શુક્રવાર, તા. ૧૧ સપ્ટેમ્બરના રોજ સાંજે થશે.

 

પવિત્ર શ્રાવણ માસની ઉજવણી અંતર્ગત પર્યાવરણ જતન માટે વૃક્ષ-છોડ અર્પણ વિધિ, દૈનિક સત્સંગ અને મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે. આ પ્રસંગે ભાવિકોને વિવિધ સંતો-મહંતો અને ધર્માચાર્યોના આશીર્વચનનો લાભ મળશે. સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાનારા આ તમામ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોને સફળ બનાવવા માટે શિવકુંજ આશ્રમ પરિવાર દ્વારા આખરી તૈયારીઓ કરી દેવામાં આવી છે. (અહેવાલ - મુકેશ પંડિત)

(8:03 PM IST)